Trump Tariffs on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. જે 7મી ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જે આજે એટલે કે 27મી ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. તેને લીધે ભારતના અનેક સેક્ટર પર ખૂબ જ વિપરીત અસર પડી શકે છે અને હજારો નોકરીઓ પણ જોખમમાં મુકાઈ શકે છે.
US માર્કેટમાં કાપડ, રત્નો અને ઝવેરાત, ઝીંગા, કાર્પેટ અને ફર્નિચર જેવી ઓછા માર્જિનવાળી વસ્તુઓની નિકાસ વધુ છે. દરમિયાન ભારત પર લાદવામાં આવેલા ટેરિફને લીધે વિયેતનામ, બાંગ્લાદેશ, કંબોડિયા અને ચીન તથા પાકિસ્તાન (જેના પર ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં ઓછો ટેરિફ લગાવી રહેલ છે) જેવા સ્પર્ધક દેશોને ફાયદો થઈ શકે છે.
નુકસાન કેટલું થઈ શકે છે?
ટ્રમ્પના નવા ટેરિફ લાગુ થવાથી વેપાર જગતના નિષ્ણાતોનો અંદાજ છે કે ભારતની અમેરિકામાં થતી માલસામાન નિકાસનું મૂલ્ય નાણાકીય વર્ષ 2025-26માં નોંધપાત્ર પ્રમાણમાં ઘટી શકે છે. થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના વિશ્લેષણ પ્રમાણે ભારતની અમેરિકામાં થતી ઉત્પાદન નિકાસ નાણાકીય વર્ષ 2026માં ઘટીને 49.6 બિલિયન ડોલર થઈ શકે છે જે અગાઉના નાણાકીય વર્ષમાં લગભગ 87 બિલિયન ડોલર હતી. તેનું કારણ એ છે કે ભારતની અમેરિકામાં થતી નિકાસના બે તૃતીયાંશ ભાગ પર 50 ટકા ટેરિફ લાગશે, જેનાથી કેટલાક ઉત્પાદનો પરનો ટેરિફ 60 ટકાથી વધુ થઈ જશે.
ભારતની અમેરિકામાં થતી નિકાસનો આશરે 30 ટકા હિસ્સો (જેનું મૂલ્ય નાણાકીય વર્ષ 2025માં 27.6 બિલિયન હતું હતું) ટેરિફ-મુક્ત રહેશે કારણ કે ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવી ઉત્પાદન શ્રેણીઓને ટ્રમ્પના ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવી જ રીતે 4 ટકા નિકાસ (મુખ્યત્વે ઓટો પાર્ટ્સ) પર 25 ટકા ટેરિફ દર લાગુ પડશે. ઊંચા ટેરિફનો અર્થ એ છે કે ભારતીય ઉત્પાદનો US બજારમાં મોંઘા થઈ જશે. નોંધનીય છે કે ભારતને તેના અન્ય મુખ્ય વેપારી ભાગીદારો, ચીન, રશિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે ભારે વેપાર ખાધ ધરાવે છે.
અમેરિકાની માંગ અને ક્ષેત્રીય અસર કેટલી અસર કરશે?
આ ટેરિફની અસર વ્યાપક હોઈ શકે છે, કારણ કે અમેરિકા ભારતના વેપારી નિકાસમાં 20 ટકા અને તેના કુલ GDPમાં 2 ટકા હિસ્સો ધરાવે છે. ઓછા કૌશલ્ય ધરાવતા કામદારો માટે આ એક મોટો પડકાર હશે.તેને ધ્યાનમાં રાખીને આ સેક્ટર (કાપડ, રત્ન અને ઝવેરાત ક્ષેત્રો) એ નોકરી ગુમાવવાથી બચવા માટે કોવિડ-19 સમયગાળાની જેમ ટેકો માંગ્યો છે. આ ક્ષેત્રોમાંથી થતી લગભગ 30 ટકા નિકાસ ફક્ત US બજારમાં જાય છે.
USના ઊંચા ટેરિફથી જે ઉત્પાદનો પર સૌથી વધુ અસર થવાની શક્યતા છે તેમાં કાપડ અને વસ્ત્રો, રત્નો અને ઝવેરાત, ઝીંગા, મશીનરી અને યાંત્રિક ઉપકરણો, ચોક્કસ ધાતુઓ (સ્ટીલ, એલ્યુમિનિયમ, તાંબુ), કાર્બનિક રસાયણો, કૃષિ અને ખાદ્ય પદાર્થો, ચામડું અને ફૂટવેર, હસ્તકલા, ફર્નિચર અને કાર્પેટનો સમાવેશ થાય છે.
વેપાર જગતના નિષ્ણાતો કહે છે કે હીરા પોલિશિંગ, ઝીંગા અને હોમ ટેક્સટાઇલ ક્ષેત્રો યુએસ વેપાર પર તેમની ઊંચી નિર્ભરતાને કારણે વેચાણમાં ઘટાડો જોઈ શકે છે. ભારતના ઝીંગા નિકાસકારોની આવકમાં US 48 ટકા ફાળો આપે છે, જેનો અર્થ એ છે કે દરિયાઈ નિકાસ ક્ષેત્રના વેચાણમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળશે.
આ ઉપરાંત હોમ ટેક્સટાઇલ અને કાર્પેટ બંને મહત્વપૂર્ણ ક્ષેત્રો છે, જેની નિકાસ કુલ વેચાણમાં અનુક્રમે 70-75 ટકા અને 65-70 ટકા હિસ્સો ધરાવે છે. CRISILના અંદાજ મુજબ આમાંથી US હોમ ટેક્સટાઇલ નિકાસમાં 60 ટકા અને કાર્પેટ નિકાસમાં 50 ટકા ફાળો આપે છે.