Bhadarvi Poonam Melo 2025: અંબાજીના મહામેળામાં આ વર્ષે નવું નજરાણું, 400 ડ્રોન થકી આકાશમાં માઁ અંબાની ગાથા રજૂ કરાશે

ડ્રોન દ્વારા આકાશમાં માતાજીની થીમ ઉપરના દ્રશ્યો, અંબે માતાની મૂર્તિ, ત્રશૂલ સહિતના દ્રશ્યો દર્શાવાશે, જે દોઢથી બે કિલોમીટર દૂરથી જોઈ શકાશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 27 Aug 2025 04:36 PM (IST)Updated: Wed 27 Aug 2025 04:36 PM (IST)
banaskantha-news-drone-show-in-ambaji-bhadarvi-poonam-2025-from-2-days-592663
HIGHLIGHTS
  • 1 થી 7 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો
  • 3 અને 4 સપ્ટેમ્બર એમ બે દિવસ દરમિયાન રાતે 8 વાગ્યાની આસપાસ ડ્રોન શૉ

Ambaji Bhadarvi Poonam Maha Mela 2025: અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર-ચુડામણીમાં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શિરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડ્યું હતું. આ શક્તિપીઠમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા મહામેળામાં આ વર્ષે એક નવું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે.

ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંજના સમયે મોડી રાત સુધી સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સૌ પ્રથમ વખત અંબાજીના આકાશમાં એકસાથે 400 જેટલા ડ્રોન દ્વારા લાઈટ શૉ યોજવામાં આવશે.

દોઢથી બે કિલોમીટર દૂરથી આકાશામાં અદ્દભૂત નજારો નિહાળી શકાશે

મહામેળાના ત્રીજા અને ચોથા દિવસે એટલે કે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાતે 8 વાગ્યે આ ડ્રોન શો યોજાશે. જેમાં ડ્રોન થકી આકાશમાં માઁ અંબાની ગાથા રજૂ કરવામાં આવશે.

જેમાં માતાજીની થીમ ઉપરના દ્રશ્યો ઉપરાંત અંબાજી માતાની મૂર્તિ, ત્રિશૂલ સહિતની આધ્યાત્મિક થીમ પર સૌ પ્રથમવાર આવા લાઈટ શૉનું આયોજન કરવામાં આવનાર છે. ખાસ વાત એ છે કે, આ અદ્દભૂત આકાશી નજારો અંબાજી પંથકના દોઢથી બે કિલોમીટર સુધીના વિસ્તારમાં નિહાળી શકાશે.

જણાવી દઈએ કે, અગાઉ આવા ડ્રોન શૉ અયોધ્યા સ્થિત રામ મંદિર, હરીદ્વાર, ખાટું શ્યામ મંદિર તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન આયોજન કરવામાં આવ્યા હતા.