Vadodara: ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકનાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, 3 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 27 Aug 2025 07:14 PM (IST)Updated: Wed 27 Aug 2025 07:14 PM (IST)
vadodara-news-2-accused-in-3-day-police-remand-for-throwing-eggs-at-ganesh-idol-592758
HIGHLIGHTS
  • સુફિયાન ઉર્ફે ગામા અને શાહનવાઝ ઉર્ફે બડબડની ધરપકડ થઈ હતી
  • પોલીસે ઘટના સ્થળે લઈ જઈ બન્ને આરોપીઓનો વરઘોડો કાઢ્યો

Vadodara: વડોદરા શહેરમાં ગણેશોત્સવની વચ્ચે પાણીગેટ વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેંકવામાં આવ્યા બાદ શહેરમાં ભારે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આજે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદ ઇર્શાદ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બંને આરોપીઓના સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય અને આ કૃત્ય પાછળ કોના હાથે કાવતરું ગોઠવાયું તે બહાર આવે.

નામદાર કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે અને અનેક ચોંકાવનારા તથ્યો સામે આવવાની પૂરી સંભાવના છે.

પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો


ગઈકાલે પોલીસ પકડમાં આવેલા આરોપી સુફિયાન ઉર્ફે ગામા અને શાહનવાઝ ઉર્ફે બડબડને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે બન્ને આરોપીઓના હાથ દોરડાથી બાંધીને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા, જ્યાં બન્નેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવનાર આ ઘટનાના પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપીઓને કાનૂની સજા અપાવવા તમામ જરૂરી પગલાં લેવાશે.