Aravalli: અરવલ્લી જિલ્લાના માલપુરમાંથી પસાર થતી વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે ઝંપલાવીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં પાણીમાં ડૂબી જવાથી પતિનું મોત નીપજ્યું છે, જ્યારે પત્ની અને પુત્રને હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માલપુર તાલુકાના કોયલીયા ગામમાં રહેતા ભુરાભાઈ ખાંટ (29)એ આજે પત્ની સંગીતાબેન (27) અને બે વર્ષના પુત્ર ધ્રુવિલ સાથે વાત્રક નદીમાં આપઘાત કરવાના ઈરાદે કૂદી પડ્યા હતા. આ બાબતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને વહીવટી તંત્રને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થથાં મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું હતુ. જેમાં સમયસર માતા અને બાળકને પાણીની બહાર કાઢી લેતા તેમનો બચાવ થયો છે. જો કે પેટમાં વધારે પાણી જતું રહ્યું હોવાથી બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભુરાભાઈનું મોત નિપજ્યું હોવાનું માલૂમ પડ્યું છે.
હાલ તો માલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને રેસ્ક્યુ કરેલા સંગીતાબેનની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાશમાં તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.