Ganesh Chaturthi 2025: દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. દર વર્ષે ભક્તો પોતાના ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને તેમની વિશેષ પૂજા-અર્ચના કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, ગણેશજીની મૂર્તિને ઘરમાં લાવતી વખતે તેમની સૂંઢ કંઈ દિશામાં હોવી જોઈએ અને તેનું શું મહત્ત્વ છે?
વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતા મુજબ, જો ગણપતિની સૂંઢ યોગ્ય દિશામાં હોય, તેવી પ્રતિમા પસંદ કરવામાં આવે, તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે.
Bottle Gourd Benefits: લાંબી કે ગોળ- કંઈ દૂધી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદેમંદ? એક્સપર્ટે આપ્યો જવાબ
ગણપતિની સૂંઢની દિશાનું મહત્ત્વ
સૂંઢ ડાબી બાજુ હોય તેવી ગણેશજીની મૂર્તિ: આવી મૂર્તિને વામવર્તી ગણેશ કહેવામાં આવે છે. જે ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે.
સૂંઢ જમણી બાજુ હોય તેવી ગણેશજીની મૂર્તિ: આવી મૂર્તિને દક્ષિણવર્તી ગણેશ કહેવામાં આવે છે. જે ગણપતિનું અત્યંત જાગ્રત અને પૂજનીય રૂપ છે. તેમની પૂજા વિશેષ નિયમ અને વિધિ-વિધાન પૂર્વક કરવી પડે છે. એવું માનવામાં આવે છે કે, આવા ગણેશની યોગ્ય રીતે પૂજા ના કરવામાં આવે, તો અશુભ ફળ પણ મળી શકે છે.
સૂંઢ મધ્યમાં હોય તેવી ગણેશજીની મૂર્તિ: ગણપતિના આ સ્વરૂપને સંતુલન અને સાધનાનું પ્રતિક માનવામાં આવે છે. જે ધ્યાન અને આધ્યાત્મિક્તા તરફ પ્રેરિત કરે છે.

ઘરમાં કેવા ગણપતિ લાવવા જોઈએ?
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાય તે માટે ડાબી તરફ સૂંઢ હોય તેવા ગણપતિ લાવવા શુભ માનવામાં આવે છે. આ સિવાય ઑફિસ કે ધંધાના સ્થળે પણ વામવર્તી ગણેશજીની સ્થાપના કરવી અત્યંત લાભદાયી રહે છે. જ્યારે દક્ષિણવર્તી ગણેશની માત્ર એવા લોકોએ જ સ્થાપના કરવી જોઈએ, જેઓ દરરોજ નિયમ મુજબ પૂજા કરી શકતા હોય.
આ સિવાય ગણપતિની મૂર્તિ લાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે, ગણેશજી બેઠેલી અવસ્થામાં હોવા જોઈએ. જે ઉત્તમ છે, કારણ કે આવા ગણપતિ શાંતિ અને સ્થિરતાનું પ્રતિક છે. આ ઉપરાંત ગણપતિની સાથે મોદક અને મૂષકની પ્રતિમા રાખવી પણ શુભ માનવામાં આવે છે.