OMG News: મોટાભાગે આપણે ફિલ્મોમાં જ જોયું હશે, જેમાં મૃત માની લીધો હોય તે વ્યક્તિ વર્ષો બાદ પરિવારની સામે આવીને ઉભો રહે. કંઈક આવો જ બનાવ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના નાવલી ગામની મહિલાને પરિવારના સભ્યો મૃત માની રહ્યા હતા, પરંતુ તે દોઢ વર્ષ બાદ ઘરે પરત ફરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.
હકીકતમાં ઓગસ્ટ,2023માં લલિતા બાઈ નામની ગત ઓગસ્ટ મહિનામાં ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હતી. આ મામલે ગાંધીસાગર પોલીસ મથકમાં તેના ગુન થવા બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ સપ્ટેમ્બર, 2023ના રોજ જાબુઆ જિલ્લામાં એક ટ્રકે મહિલાને ચગદી નાંખી હતી. જેનો વીડિયો વાયરલ થતાં પરિવારજનોએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેમાં ક્ષત-વિક્ષત મહિલાના મૃતદેહની ઓળખ ગુમ થયેલી લલિતા તરીકે કરવામાં આવી હતી. જે બાદ પરિવાર દ્વારા કથિત મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.
આ કેસમાં પોલીસે ભાનપુરામાં રહેતા ઈમરાન, શાહરુખ, સોનું અને એઝાઝ નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓ હાલ હત્યાના ગુનામાં જાબુઆની જેલમાં કેદ છે. એવામાં લલિતાએ પરિવારજનો બાદ ગાંધીસાગર પોલીસ મથકમાં આવી પોતાના અપહરણ અને વેચવામાં આવી હોવાની આપવીતી જણાવી હતી.
લલિતાએ જણાવ્યું કે, ઘરેથી ભાગ્યા બાદ બે દિવસ સુધી તે ભાનપુરામાં રહેતા શાહરુખની સાથે હતી. જો કે તેણે મને કોટામાં રહેતા બીજા શાહરૂખને 5 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. જે બાદ મને કોટામાં જ ગોંધીને રાખવામાં આવી હતી. આખરે તક મળતા તે ભાગી છૂટી અને ઘરે પરત ફરી છે.
હાલ તો લલિતાએ પોતાનું આધાર કાર્ડ, વોટર આઈડી સહિતના તમામ ડૉક્યુમેન્ટ પોલીસને બતાવીને ખારાઈ કરાવી દીધી છે. બીજી તરફ માતા દોઢ વર્ષે પરત ફરતા લલિતાના બન્ને બાળકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.