Indo German Couple: એવું કહેવાય છે કે, દિલ કોઈ નાત-જાત નથી જોતુ અને પ્રેમને કોઈ સરહદ નથી નડતી. પ્રેમનો કંઈક આવો જ કિસ્સો ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો છે. જેમાં જાલૌનના કપાસી ગામમાં રહેતા દિપેશ પટેલ નામના યુવકે જર્મનીમાં રહેતી જુલિયા નામની યુવતી સાથે હિન્દુ વિધિથી લગ્ન કર્યાં છે. ગોરી મેમ અને યુપી ભૈયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બન્નેની લવસ્ટોરીની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં મૂળ ઉત્તર પ્રદેશના દિપેશ પટેલે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. જે બાદ દિપેશ વિયેતનામ, ઈન્ડોનેશિયા અને અમેરિકામાં રહ્યો હતો. જો કે છેલ્લા અઢી વર્ષથી તે જર્મનીમાં રહીને ત્યાંની એક કંપનીમાં એન્જિનિયર તરીકે જૉબ કરી રહ્યો છે. આ દરમિયાન તેની મુલાકાત જર્મનીના લાઈપ્ત્સિગ શહેરમાં રહેતી જુલિયા નામની યુવતી સાથે થઈ હતી. જુલિયા અને દિપેશની મિત્રતા પ્રેમમાં પરિણમતા બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

દિપેશે પોતાના પરિવારને પોતે વિદેશી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવ્યું હતુ. જે બાદ જુલિયા સાથે વાતચીત કર્યાં બાદ દિપેશના પરિવાર લગ્ન માટે રાજી થઈ જતાં પહેલા બન્નેની સગાઈ કરવામાં આવી હતી. જે બાદ હોળીના એક દિવસ પહેલા જ ઉરઈમાં બન્ને લગ્નગ્રંથિથી બંધાયા હતા.

દિપેશ અને જુલિયા હિન્દુ રિત-રીવાજ અનુસાર સપ્તપદીના ફેરા ફરીને એકબીજાના બની ગયા. જેમાં જુલિયાએ લહેંગો પહેર્યો હતો, જ્યારે દિપેશ શેરવાનીમાં સોહામણો લાગતો હતો. લગ્ન પહેલા ભવ્ય રીતે હલ્દી અને મહેંદી સેરેમની પણ કરવામાં આવી હતી.

આ લગ્ન પ્રસંગમાં જર્મનીથી જુલિયાના પરિવારના કેટલાક સભ્યો ઉપરાંત કેટલાક મિત્રો પણ ખાસ ભારત આવ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, દિપેશ સાથે લગ્ન નક્કી થયા બાદ જુલિયાએ હિન્દી શીખવાનું પણ શરૂ કરી દીધુ છે. અત્યારે જુલિયા થોડું ઘણું હિન્દી સમજી રહી છે અને ભાગ્યુ-તૂટ્યું હિન્દી બોલી પણ શકે છે. અત્યાર સુધીમાં 3 વખત ભારત આવી ચૂકેલી જુલિયા ભારતીય સંસ્કૃતિમાં ખાસ રસ ધરાવે છે.