Valsad: વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ પર નવસારીની ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસના ક્લીનરનું મોત નીપજ્યું છે. જ્યારે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવસારીની ઑમ સાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રાકેશ પટેલ દ્વારા ભાઈબીજના દિવસે દાદરાનગર હવેલીના દૂધની સહિતના આસપાસના વિસ્તારોમાં ફરવા માટે ટૂર ઉપાડી હતી. જેમાં 36 મુસાફરોને લઈને જઈ રહેલી બસ દૂધનીથી 4 કિમી દૂર ઘાટ ઉપર પહોંચી હશે, ત્યારે જ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.
આ દરમિયાન કરચોન ગામના ટર્નિંગ પર બસના ચાલકે રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાવીને બસને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પહેલા ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ક્લીનરે પોતાનો જીવ બચાવવા માટે ચાલુ બસમાં કૂદકો માર્યો હતો. જો કે તે બસના પાછળના ટાયર નીચે ચગદાઈ જતાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.
બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તમામને ખાનવેલની સબ જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.