Valsad: ગુજરાતમાં સતત ઘટી રહેલા જંગલ વિસ્તારના કારણે જંગલી જાનવરો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવીને માનવીઓ પર હુમલા કરવા લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવા કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે, ત્યારે આવે જ વધુ એક બનાવ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામમાંથી સામે આવ્યો છે. જેમાં શિકારની શોધમાં આવી ચડેલો દીપડો ઓટલા પર સૂતેલી વૃદ્ધાને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધરમપુર તાલુકામાં જંગલને અડીને આવેલા આંબાતલાટ ગામમાં સોનાબેન ચૌધરી (67) નામની મહિલા આજે વહેલી સવારે પોતાના ઘરના ઓટલા પર સૂઈ રહી હતી. આ દરમિયાન શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ સૂઈ રહેલી મહિલાને ગળાના ભાગેથી પકડીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો.
જો કે વહેલી સવારે વૃદ્ધા ઓટલા પર ન દેખાતા પરિવારના સભ્યો સહિત ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં નજીકમાં આવેલા જંગલ વિસ્તારમાંથી મહિલાનું માથુ અને ધડ અલગ-અલગ મળી આવ્યા હતા.
આ બાબતની જાણ થતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે 10 જેટલા પાંજરા ગોઠવી દીધા છે. બીજી તરફ માનવભક્ષી દીપડાના કારણે ગ્રામજનોમાં દહેશત જોવા મળી રહી છે.
ઉનામાં ઘરમાં ઘૂસી દીપડાએ ટીવી જોઈ રહેલા બાળક પર તરાપ મારી
આવો જ એક બનાવ આજથી દોઢેક મહિના અગાઉ ઉના તાલુકાના વાવરડા ગામમાંથી સામે આવ્યો હતો. જેમાં 6 વર્ષનો મહાવીરસિંહ નામનો બાળક ઘરમાં પોતાની મોટી બહેન સાથે ટીવી જોઈ રહ્યો હતો. આ સમયે કપાસમાં લપાઈને બેઠેલા દીપડાએ ઘરમાં ઘૂસીને મહાવીરસિંહ ઉપર તરાપ મારી હતી. જો કે બૂમાબૂમ થતાં ખેતરમાં કામ કરી રહેલા લોકો દોડી આવતા દીપડાએ બાળકને છોડીને જંગલમાં ભાગી છૂટ્યો હતો. (In Pic: ફાઈલ ફોટો)