Gujarat News Today Live: સુરતના અડાજણ સ્થિત રામજી ઓવારા પાસે આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રાજસ્થાન રાજ્યની ગરાસીયા ગેંગના સાગરિતને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે.

સુરતના અડાજણ સ્થિત રામજી ઓવારા પાસે આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રાજસ્થાન રાજ્યની ગરાસીયા ગેંગના સાગરિતને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે.
આજે 25 ઓગસ્ટ 2025ના રોજ ધરોઈ ડેમ ખાતે ઉપરવાસમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં સવારે 7 વાગ્યે ધરોઈ ડેમમાંથી આશરે 64500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી.) દ્વારા આ અંગે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરો/એજન્સીઓ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.આર.સી.એલ.)ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો, રિવરફ્રન્ટની બોટિંગ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી છે. વધુમાં, ઉપરવાસમાંથી પાણીની આવક હાલમાં પણ ચાલુ હોવાથી સા.રી.ફ્ર.ડે.કો.લી. દ્વારા શહેરજનો માટે લોઅર પ્રોમિનાડ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.
આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં 70 તાલુકામાં મેઘ મહેર થઈ છે. જેમાં દાંતમાં 1.7 ઇંચ, વડાલીમાં 1.4 ઇંચ, માંડવી(સુરત)માં 1.2 ઇંચ, વિજયનગર, ખેડબ્રહ્મા અને બાલાસિનોરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે છ વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, બોટાદ, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.