Surat News: મહિલાનું પૂર્વ પતિએ અપહરણ કર્યું, પોલીસે ફિલ્મી સ્ટાઈલથી છોટાઉદેપુરની ખેરકુવા ચેકપોસ્ટ નજીકથી ઝડપ્યો

4 માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું, જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 25 Aug 2025 05:30 PM (IST)Updated: Mon 25 Aug 2025 05:30 PM (IST)
woman-kidnapped-by-ex-husband-police-arrest-her-in-a-film-style-near-chhota-udepurs-kherkuva-checkpost-591596

Surat News: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી મહિલાનું તેના પૂર્વ પતિએ બોલેરો પિકઅપ ગાડીમાં અપહરણ કરીને લઇ ગયો હતો. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ પાસેથી અપહરણ કરનાર પૂર્વ પતિને ઝડપી પાડ્યો હતો અને મહિલાને મુક્ત કરવી હતી.

મળતી માહિતી મુજબ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક મહિલા તેના પરિવાર સાથે રહે છે અને સાડીના કારખાનામાં કામ કરે છે. આ મહિલાના ૬ વર્ષ પહેલા મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રાકેશ બરસન કિરાડ સાથે પ્રેમ સબંધ હતો જેથી બંને પરિવારજનોએ રીતરીવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા.

લગ્નગાળા દરમ્યાન સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો. દીકરાનું અગાઉ અવસાન થયું હતું. દરમ્યાન અણબનાવના કારણે આ દંપતીના દોઢેક વર્ષ અગાઉ સમાજના વડીલો મારફતે છૂટાછેડા થયા હતા અને ત્યારથી બંને અલગ રહેતા હતા જયારે દીકરી રાકેશ સાથે રહેતી હતી જયારે મહિલા સુરતમાં તેના પરિવાર સાથે રહેતી હતી.

ગત ૨૩ ઓગસ્ટના રોજ મહિલા પોતાની નોકરી પરથી છૂટીને ચાલતી ચાલતી ઘરે જતી હતી તે દરમ્યાન તેનો પૂર્વ પતિ રાકેશ કિરાડ બોલેરો પિકઅપ લઈને આવ્યો હતો અને મહિલાને રસ્તામાં રોકીને જબરદસ્તી તેનો હાથ પકડીને ગાડીમાં બેસાડીને તેનું અપરહણ કરીને લઇ ગયો હતો. બીજી તરફ આ સમગ્ર મામલો સચિન જીઆઈડીસી પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરીને અપહરણ કરનાર પૂર્વ પતિ રાકેશ બરસન કિરાડને ઝડપી પાડ્યો હતો અને મહિલાને મુક્ત કરવી હતી.

પોલીસ તપાસમાં દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હોવા છતાં રાકેશ તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માંડવા માંગતો હતો અને આ જ કારણે તેણે આ અપહરણનું કાવતરું રચ્યું હતું. આ બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. 4 માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું, જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી. આ સંજોગોમાં પૂર્વ પત્નીને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે આ કૃત્ય કર્યું હતું