PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન તેઓ રાજ્યને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5.45 કલાકે આગમન બાદ, તેઓ એક ભવ્ય રોડ-શો સાથે નિકોલ ખાતેના ખોડલધામ ગ્રાઉન્ડ પહોંચશે. વડાપ્રધાન અહીં એક વિશાળ જનસભાને સંબોધશે અને રૂપિયા 5,477 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત, 25મી ઓગસ્ટે બેચરાજીમાં તેઓ મારુતિ-સુઝુકીના ઈ-વ્હીકલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે, જે દુનિયાના 100 દેશોમાં ઈ-કારની નિકાસ કરવા માટે તૈયાર છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ગુજરાતના ટોચના નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે.
કયા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત?
વડાપ્રધાન મોદી એક જ સભામાંથી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારો માટે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
શહેરી વિકાસ: રાજ્યના શહેરી વિકાસ વિભાગ હેઠળ રૂપિયા 2,548 કરોડના પ્રોજેક્ટ્સ.
રેલવે: રૂપિયા 1,404 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ.
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદમાં રૂપિયા 1,624 કરોડના ખર્ચે રીંગ રોડને સિક્સ-લેન બનાવવા માટે ખાતમુહૂર્ત, તેમજ ઉત્તર ગુજરાતમાં રૂપિયા 307 કરોડના રોડ પ્રોજેક્ટ્સ.
ઉર્જા અને મહેસૂલ: ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને મહેસૂલ વિભાગના રૂપિયા 1,218 કરોડના વિકાસ કાર્યો.