Mehsana News: આજના સમયમાં જ્યારે સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા ચોરાસી કડવા પાટીદાર સમાજે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. ચોરાસી કડવા પાટીદાર સમાજે 15થી 20 વર્ષ કે તેથી વધુ સમયથી સાસુ-સસરાની સાથે રહીને કુટુંબની ભાવના જાળવી રાખનાર 209 પુત્રવધૂઓનું સન્માન કર્યું હતું. આ સન્માન સમાજના વડીલોના હસ્તે એક ખાસ સમારોહમાં કરવામાં આવ્યું હતું. એક જ ઘરમાં રહેતી દેરાણી-જેઠાણીનું પણ સાથે સન્માન થયું, જેણે આ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો. આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવાનો અને તેમને વડીલોનું સન્માન કરતાં શીખવવાનો છે.
આ પ્રસંગે, સમાજની મહિલાઓએ સંયુક્ત પરિવારના ફાયદા પર ભાર મૂક્યો હતો. સન્માનિત પુત્રવધૂ પ્રજ્ઞાબેન પટેલે પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે, હું 38 વર્ષથી મારા સાસુ-સસરા સાથે રહું છું અને હું પોતાને ભાગ્યશાળી માનું છું. દરેક દીકરીએ લગ્ન પછી સાસુ-સસરાને પોતાના માતા-પિતા સમાન ગણીને તેમનો આદર કરવો જોઈએ. જો આપણે આ સંસ્કારો જાળવી રાખીશું, તો વૃદ્ધાશ્રમોની જરૂર નહીં પડે. તેમણે આધુનિકતાના નામે સંયુક્ત પરિવારોથી દૂર ન થવાનો સંદેશ આપ્યો. તેમણે ઉમેર્યું કે સંયુક્ત પરિવારોમાં રહેવાથી ફક્ત ફાયદા જ થાય છે, કોઈ નુકસાન થતું નથી.
સન્માનિત પુત્રવધૂઓને આપવામાં આવેલા પત્રમાં એક ભાવનાત્મક સંદેશ લખવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, જીવનથી જીવન ઘડાય છે. પત્રમાં પુત્રવધૂઓના પ્રયાસોની પ્રશંસા કરતાં લખ્યું હતું કે, તમારા આ ઉમદા કાર્યથી આવનારી પેઢીઓ સંસ્કાર અને શ્રેષ્ઠ કૌટુંબિક પરંપરાઓના માર્ગે ચાલશે. સમગ્ર સમાજ તમારી આ સંસ્કારિતા અને ઉદ્દાત ભાવનાને બિરદાવે છે." આ કાર્યક્રમ સમાજમાં પારિવારિક એકતા અને વડીલોના સન્માનની ભાવનાને ફરીથી જીવંત કરવા માટે એક મજબૂત પગલું છે, જે સમગ્ર સમાજ માટે એક દીવાદાંડી સમાન બની રહેશે.