Vadodara: પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાની ભાજપમાં ઘરવાપસી, સી.આર પાટીલના હસ્તે કેસરિયા કર્યા

વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપે દિનુ મામાને સસ્પેન્ડ કર્યા હતા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 03 Sep 2023 05:24 PM (IST)Updated: Mon 04 Sep 2023 08:36 AM (IST)
vadodara-news-former-mla-from-padra-dinu-mama-to-join-bjp-189012

Vadodara: ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ટિકિટ ના મળતા નારાજ થયેલા પાદરા તાલુકાના બળવાખોર ધારાસભ્ય દિનુ મામાએ ભાજપમાં ઘર વાપસી કરી છે.

હકીકતમાં ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાદરા બેઠકના કરોડપતિ પૂર્વ ધારાસભ્ય દિનુ મામાને ટિકિટ નહતી આપવામાં આવી. જેથી નારાજ થયેલા દીનુ મામાએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણીમાં જંપલાવ્યું હતુ. જો કે ચૂંટણીના પરિણામોમાં દીનુ મામાનો કારમો પરાજય થયો હતો.

જો કે હવે નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાયલમાં ખુદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજરી આપવા આવ્યા હતા. આ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા દિનુ મામાએ કેસરિયા કરીને ભાજપમાં ઘરવાપસી કરી છે. દિનુ મામાની સાથે જ તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે..

જણાવી દઈએ કે, જે-તે સમયે ભાજપ સામે બળવો પોકારી દિનેશ પટેલ (દિનુ મામા)એ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું. જે બાદ ભાજપે બળવાખોર દિનુ મામાને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા. આટલું જ નહીં, હવે બળવાખોરને પક્ષમાં પરત નહી લેવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.