Vadodara: આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડતો મહત્વનો 50 વર્ષ જૂનો મુજપુર-ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈની વહેલી સવારે ધરાશાયી થતા 21 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે રચાયેલી SIT દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
હકીકતમાં આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના ચાર સસ્પેન્ડેડ અધિકારીઓ તેમજ એક નિવૃત્ત અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત તથા સત્તાનો દુરુપયોગ સંબંધિત ગંભીર આક્ષેપોની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
સરકારની મંજૂરી બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા છ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) રચાઈ હતી. SITની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. આજે સસ્પેન્ડેડ તેમજ નિવૃત્ત અધિકારીઓના નિવેદનો એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આ તપાસના ભાગરૂપે આજે માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલને એસીબી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. SITના સભ્યો દ્વારા તેમની સાડા સાત કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન બ્રિજની જર્જરિત હાલત, જાળવણી કામગીરી, ટેન્ડર પ્રક્રિયા અને ફંડના વપરાશ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે બાદ આર.ટી. પટેલને ઘરે જવા દેવામાં આવ્યા હતા. જોકે તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે. આગળના દિવસોમાં અન્ય સંકળાયેલા અધિકારીઓને પણ ફરીથી બોલાવવામાં આવી શકે છે.
સમગ્ર કેસની તપાસનો પ્રાથમિક રિપોર્ટ એસીબી આગામી 45 દિવસની અંદર સરકારને સોંપશે. સરકાર તથા એસીબીની આ કાર્યવાહીથી લોકોમાં આશા જાગી છે કે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે. અને આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે.