Vadodara: વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં વિવાદોનો સિલસિલો અટકતો નથી. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ હવે બોયઝ હોસ્ટેલની મેસ ચર્ચામાં આવી છે. હકીકતમાં બોયઝ હોસ્ટેલના પાછળના ભાગે ચાલતી મેસમાં જમવા બેઠેલા વિદ્યાર્થીઓની થાળીમાં પીરસેલા શાકમાંથી મરેલી ઇયળો મળી આવતા હંગામો સર્જાયો હતો.
વિદ્યાર્થીઓએ તરત જ મેસ સંચાલકને આ બાબતે જાણ કરી હતી. જો કે સંચાલકે મામલાને અવગણતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આ પહેલા પણ આ જ મેસ સંચાલક સામે ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી.
આ પણ વાંચો
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, મેસમાં અવારનવાર હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે, જેનાથી આરોગ્ય પર સીધી અસર થાય છે. અનેકવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં મેસ સંચાલકોને છૂટો દોર મળ્યો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ આરોગ્ય જોખમમાં મૂકાઈ રહ્યા છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ ઘણી વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની હતી. આ ઘટનાના દાગ હજી સુકાયા નથી ત્યાં ફરી એક વખત બોયઝ હોસ્ટેલના ભોજનમાં મરેલી ઇયળો મળવાથી યુનિવર્સિટીનું સંચાલન પ્રશ્નચિહ્ન નીચે આવ્યું છે.
વિદ્યાર્થી સંગઠનો ફરી એક વખત સત્તાધીશોને સખત પગલાં લેવા અને મેસમાં સ્વચ્છતા જાળવવાની માંગ કરી રહ્યા છે. જો યુનિવર્સિટી પ્રશાસન યોગ્ય પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.