Anand: આણંદના સેવાસદન સ્થિત પ્રાંત કચેરીમાં સરકારી વાહનના ડ્રાઈવર તરીકે 32 વર્ષ સુધી સેવા આપનાર ઐય્યુબમિયા પિરઝાદાને નિવૃતિના અવસરે અનોખી વિદાય આપવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી તથા નાયબ કલેકટર ડૉ.મયુર પરમારની આગેવાની હેઠળ યોજાયેલા આ સમારંભે કર્મચારીઓએ ઐયુબભાઈની લાંબી અને નિષ્ઠાવાન સેવાઓને બિરદાવી હતી.
આ સમારંભ દરમ્યાન ડૉ.મયુર પરમારે ઐય્યુબભાઈને શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી અને તેમને પોતાની ખુરશી પર બેસાડી માન આપીને વિદાય સમારંભને વિશેષ બનાવ્યો હતો. ઐયુબભાઈએ પોતાના કારકિર્દી દરમિયાન અનેક અધિકારીઓને સરકારી વાહનમાં સલામત પહોંચાડવાના જવાબદારીભર્યા કાર્યો બજાવ્યા હતા.
વિદાય સમારંભનું અનોખી પળએ હતી કે, પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમારે જાતે સરકારી વાહન હંકારીને ઐય્યુબમિયા તથા તેમના પરિવારને તેમના ઘરે મૂકી આવ્યા હતા. સામાન્ય રીતે ડ્રાઈવર અધિકારીઓને પહોંચાડે છે, પરંતુ આ પ્રસંગે અધિકારીએ ડ્રાઈવરને સન્માનપૂર્વક ઘરે પહોંચાડ્યા, જે માનવતા અને આદરનું પ્રતિક બન્યું.
ડૉ.મયુર પરમારે જણાવ્યું કે ઐય્યુબમિયા પિરઝાદા આણંદ જિલ્લાના છેલ્લા સરકારી ડ્રાઈવર હતા અને તેમના લાંબા અનુભવથી કચેરીને હંમેશા લાભ મળ્યો હતો. તેમની નિષ્ઠા અને સેવાભાવને સલામ કરીને તેમને માનપૂર્વક વિદાય આપવામાં આવી છે.