Ganesh Utsav 2025: વડોદરા શહેરના વાડી વિસ્તારમાં સ્થિત ઘુંડીરાજ ગણપતિ મંદિર, જેને શ્રી મૈરાળ ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આશરે 254 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. આ મંદિરનું બાંધકામ વડોદરાના પ્રખ્યાત ગણેશ ભક્ત અને તત્કાલીન રાજવી દરબારના દીવાન સ્વ. ગોપાલરાવ મૈરાળે કરાવ્યું હતું. રાજવી સમયમાં હેમાળપંથી શૈલીમાં નિર્મિત આ મંદિર બે માળનું છે અને ભવ્ય કોતરણીનો અનોખો વારસો ધરાવે છે.
મંદિરમાં ભગવાન ગણેશ સાથે રિદ્ધિ-સિદ્ધિ તથા શુભ અને લાભ બિરાજમાન છે. ખાસ વાત એ છે કે અહીં ગણેશજીની મૂર્તિ સામે તેમના અતિપ્રિય વાહન મુશકની મૂર્તિ સ્થાપિત છે, જે શિવ મંદિરમાં નંદીની પરંપરાની સમાન અનોખી પ્રતીતિ આપે છે. સ્વ. ગોપાલરાવ મૈરાળ મૂળ મરાઠી હોવાથી તેમને ગણેશજી પ્રત્યે અતિશ્રદ્ધા હતી. વડોદરાના આ મંદિરે સાથે તેમણે શિનોર, ગોરેગાવ, ઉમરગાંવ સહિત કુલ 21 ગણેશ મંદિરોના બાંધકામ કરાવ્યા હતા.
વર્ષો પહેલાં મંદિરના નિર્માતા ગોપાલરાવે રાજવી ખંડેરાવ ગાયકવાડને નવ કરોડની કિંમતનું દાન આપ્યું હતું, જેમાં સોના-ચાંદીના ઘરેણાં અને સિક્કાઓનો સમાવેશ થતો હતો. વાયકા મુજબ મંદિરના ભોંયરામાં આજે પણ કરોડો રૂપિયાની કિંમતનો ખજાનો દફનાયેલો છે, પરંતુ અત્યાર સુધી કોઈને ત્યાં પ્રવેશ મળ્યો નથી.
આ મંદિરનું સંચાલન હાલ મૈરાળ પરિવારની ત્રીજી પેઢી સંભાળી રહી છે. મંદિરની એક ખાસ પરંપરા એ છે કે દરરોજ સાંજની આરતી વખતે શરણાઈના સુરો સાથે ભગવાન ગણેશની આરતી કરવામાં આવે છે, જેને ચોઘડા વાજંત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ગુરવ પરિવાર જાળવી રાખે છે.
મંદિર પરિસરમાં મહાદેવજીનું સુંદર મંદિર અને લક્ષ્મી-કુબેરજીનું મંદિર પણ આવેલું છે. આ સિવાય રાજા રવિ વર્માની કળાકૃતિઓ યાદ અપાવે તેવા રાગમાલાના સુંદર ચિત્રો પણ દિવાલો પર દોરવામાં આવ્યા છે. મંદિરની આર્કિટેક્ચરમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનની શૈલીઓનો અદ્દભૂત સંગમ જોવા મળે છે.
1989માં અમેરિકામાં પ્રકાશિત થયેલા હવેલી નામના પુસ્તકમાં પણ આ મંદિરસ્થળનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વડોદરાના ઐતિહાસિક વારસાની સાક્ષી છે. દર મંગળવારે હજારો ભક્તો આ પૌરાણિક મંદિરમાં શરણું લે છે અને શ્રીજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં આવે છે.