Ganesh Chathurthi 2025, Lakshmi Vilas Palace Vadodara: ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીમાં શહેરના રાજવી પરિવાર દ્વારા પણ વર્ષોથી અનોખી પરંપરા જાળવવામાં આવી રહી છે. દર વર્ષે રાજમહેલના દરબાર હોલમાં પરંપરાગત ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જેની બનાવટ એક જ પરિવારના મૂર્તિકાર દ્વારા શતાબ્દીથી કરવામાં આવે છે.
99 વર્ષથી આ પરિવાર બનાવે છે ગણેશજીની મૂર્તિ
મૂર્તિકાર લાલસિંહરાવ ચૌહાણ જણાવે છે કે આ પરંપરાની શરૂઆત 1926માં તેમના પૂર્વજ કૃષ્ણરાવ ચૌહાણ દ્વારા થઈ હતી. 1939માં તેમના પિતાને ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો, ત્યારબાદ તેમણે સિંદુરાસુર વધ એટલે કે રાક્ષસને ગણપતિ મારી રહ્યા છે તેવી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. આ મૂર્તિ બનાવ્યા પછી પ્રદાસીરાવ મહારાજ સાહેબને ખબર પડી કે તેમને પૂજનીય ગણપતિ જોઈએ છે, કે પૂજા કરતી વખતે મન પ્રફુલ્લિત થાય.

1940થી આજ પ્રકારની મૂર્તિ બનાવવામાં આવે છે
તેમણે વધુમાં જણાવ્યું કે, આ માટે કાશીના પંડિતોને બોલાવવામાં આવ્યા અને તેમની દોરવણી હેઠળ આ મૂર્તિ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું. કાશીના પંડિતો એક મહિના પછી પાછા આવ્યા અને મૂર્તિ પસંદ કરી. ત્યારથી આજદિન સુધી એક જ પ્રકારની પરંપરાગત ગણેશ મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે. આ મૂર્તિનો રંગ પણ નક્કી કરવામાં આવ્યો છે અને 1940થી આજ દિન સુધી એવી જ માટીની મૂર્તિ 36 ઇંચની બનાવવામાં આવે છે.
આ પણ વાંચો

મૂર્તિની ઊંચાઈ 36 ઇંચ જાળવવામાં આવે છે
લાલસિંહરાવ ચૌહાણે જણાવ્યું કે કૃષ્ણરાવ ચૌહાણના નિધન બાદ તેઓએ આ જવાબદારી સંભાળી છે. છેલ્લા 20 વર્ષથી આ મૂર્તિ બનાવવા ભાવનગરથી ખાસ ગ્રે કલરની માટી મંગાવવામાં આવે છે. પરંપરા પ્રમાણે મૂર્તિનું વજન આશરે 90 કિલો અને ઊંચાઈ 36 ઇંચ જાળવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે રાજમહેલમાંથી ખાસ પાલખી મૂર્તિકારના ઘરે મોકલવામાં આવે છે, જેમાં વાજતે ગાજતે આ પરંપરાગત મૂર્તિને દરબાર હોલ સુધી લાવવામાં આવે છે અને ત્યાં વિધિવત્ સ્થાપના થાય છે. વર્ષોથી અવિરત ચાલતી આ પરંપરા વડોદરાની સંસ્કૃતિમાં ગૌરવનો પળ ઉમેરે છે.