Mumbai-Ahmedabad Highway Traffic Jam: વડોદરા નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર આજે, 25 ઓગસ્ટ, 2025 ના રોજ સતત ત્રીજા દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જાંબુવાબ્રિજથી પુનિયાદ ગામ સુધી આશરે 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. જેના પગલે વાહનચાલકોને 5-5 કલાક સુધી રસ્તા પર અટવાઈ રહેવાની ફરજ પડી છે. નાના-મોટા વાહનોના થપ્પા વચ્ચે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વાહનચાલકોમાં આક્રોશ જોવા મળ્યો
જાંબુવાબ્રિજ પર પડેલા મોટા ખાડાઓને કારણે ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની છે, પરંતુ તંત્ર દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. વાહનચાલકોએ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ ટોલ ટેક્સ વસૂલ કરે છે, પરંતુ સારા રસ્તાઓ પૂરા પાડતા નથી. ગઈકાલે પણ લગભગ 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો, અને આજે તે વધીને 15 કિલોમીટર સુધી પહોંચી ગયો છે.

ટ્રાફિકજામમાં ફસાયેલા મુસાફરોમાં રોષ
ટ્રાફિક જામમાં ફસાયેલા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલાકો સુધી રસ્તા પર અટવાતા બાળકો ભૂખ અને તરસથી પરેશાન થઈ ગયા હતા. ટ્રક ચાલક અંકિતભાઈએ જણાવ્યું કે તેઓ સુરતથી રાત્રે 12 વાગ્યે નીકળ્યા હતા અને સવારે 8 વાગ્યે વડોદરા પહોંચ્યા છે. તેઓ ટોલ ટેક્સ ભરી રહ્યા છે છતાં ખાડાવાળા રસ્તાઓ પર ચાલવા માટે મજબૂર છે.
મુંબઈથી નીકળેલા અલ્પેશભાઈએ જણાવ્યું કે તેમણે પરમ દિવસે રાત્રે મુસાફરી શરૂ કરી હતી, તેમ છતાં તેઓ હજુ સુધી અમદાવાદ પહોંચી શક્યા નથી. તેમણે ઉમેર્યું કે, આ ટ્રાફિક મગજ ખરાબ કરી નાખે એવો છે. ગણપતિની તૈયારી માટે ઘરે જવું છે, પણ ખબર નથી ક્યારે પહોંચીશું.

સતત વરસાદને કારણે બ્રિજ પર ફરીથી ખાડાઓ ઊભા થતાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. પોર બ્રિજ નજીક પણ ટ્રાફિક જામ થવાથી હાલત વધુ ગંભીર બની રહી છે. હાલમાં તંત્ર દ્વારા રસ્તાની મરામત અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે મુસાફરોની મુશ્કેલીઓ વધી રહી છે.