Surat: ગુજરાતની કોમર્શિયલ કેપિટલ ગણાતા સુરત શહેરમાં ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે, આવજ વધુ એક બનાવ ઉધના સ્થિત જરી બનાવતી ફેક્ટરીમાંથી સામે આવ્યો છે. જેમાં લિફ્ટમાં ચગદાઈ જવાથી મહિલાનું દર્દનામ મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના નાલંદા જિલ્લાની વતની પિન્કીકુમારી (42) શહેરના ડીંડોલી વિસ્તારમાં પતિ અને બે સંતાનો સહિતના પરિવાર સાથે રહેતી હતી અને સાતેક મહિનાથી ઉધના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ જરીની ફેક્ટરીમાં કામ કરતી હતી.
આ પણ વાંચો
ચાર માળની ફેક્ટરીમાં પિન્કીકુમારી લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળે જઈ રહી હતી. આ દરમિયાન પિન્કીકુમારીની સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતાં તેનું માથુ લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈને છુંદાઈ ગયું હતુ.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં અન્ય કર્મચારીઓએ જાણ કરતાં ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પિન્કીકુમારીના લોહીથી ખરડાયેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
જણાવી દઈએ કે, ગત 20 ઓગસ્ટના રોજ પણ કતારગામ સ્થિત હીરાના કારખાનામાં પણ દુર્ઘટના ઘટી હતી. જેમાં એક મહિલા હીરા ઘસવાનું કામ કરી રહી હતી, ત્યારે તેના ખભા પરથી દુપટ્ટો સરકીને ઘંટીમાં ફસાઈ ગયો હતો. આ સમયે ઘંટી એટલી ઝડપથી ફરી રહી હતી કે, મહિલાના વાળ માથામાં ચામડી સાથે વીગની માફક છૂટા પડી ગયા હતા. જે બાદ મહિલાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો છે.