Surat News: સુરત શહેરમાં 25 મિનિટમાં બે બુલેટ ચોરી થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. સરથાણાના યોગીચોક વિસ્તારમાં માત્ર 5 સેકન્ડમાં લોક તોડી બુલેટની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. આ બનાવમાં જરીના વેપારીએ 15 દિવસ પહેલા જ બુલેટ ખરીદ્યું હતું અને સર્વિસ માટે ગેરેજમાં મુક્યું હતું. બનાવની 25 મિનિટમાં અન્ય એક બુલેટની ચોરી થઇ હોવાનું પણ સામે આવ્યું છે. બુલેટ ચોરનારે જરીના વેપારી પાસેથી બાઇક પરત કરવાના 3 હજાર રૂપિયા પણ માગ્યા હતા. બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉતરાણ વિસ્તારની સિલ્વર સ્કાય સોસાયટીમાં રહેતા તીર્થ કુકડીયા નામના જરીના વેપારીએ 23 જુલાઈએ દોઢ લાખ રૂપિયાનું રોયલ એનફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું. દસ દિવસ બાદ સર્વિસ હોવાથી યોગીચોક વિસ્તારમાં આવેલા શ્રીનાથજી ઓટો ગેરેજમાં મૂક્યું હતું. 7 ઓગસ્ટના રોજ વહેલી સવારે 3:15 વાગ્યે ચોર દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી. રાત્રે ચોર રોયલ એનફિલ્ડ બુલેટની શોધમાં નીકળ્યો હોય તેમ લાગી રહ્યું હતું. તીર્થનું બુલેટ જોઈને પહેલાં રેકી કરી અને પછી બુલેટ પર બેસીને પાંચ સેકન્ડમાં લોક તોડી નાખ્યું હતું. ત્યારબાદ બુલેટને લઈને ફરાર થઈ ગયો હતો.
આ બનાવ બાદ નજીકની એક સોસાયટીમાંથી 25 મિનિટમાં અન્ય એક રોયલ એનફિલ્ડ બુલેટની પણ ચોરી થઈ હતી. તીર્થના બુલેટની ચોરી થયાની જાણ થતાં અને સીસીટીવીમાં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરી થયાના બીજા જ દિવસે એક અજાણ્યા નંબરથી તીર્થને જાણ કરવામાં આવી કે તેનું બુલેટ ક્યાં છે તેની માહિતી છે અને પરત મેળવવા માટે રૂપિયા આપવા પડશે. તીર્થે પહેલાં 2500 અને પછી વધુ 500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, પરંતુ તે પછી કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો
તીર્થે જણાવ્યું કે દોઢ લાખ રૂપિયા આપીને 15 દિવસ પહેલાં જ બાઈક ખરીદ્યું હતું. બાઈક પરત મળે તે માટે કોઈએ રૂપિયા માંગ્યા તો તે આપવા પણ તૈયાર હતો. બુલેટ બાઈક લેવાનું સપનું હતું, જે પૂરું થયું, પરંતુ 15 દિવસમાં જ ચોરી થઈ ગયું. 15 દિવસ થયા છતાં પોલીસે બાઈક શોધી નથી. પોલીસને વિનંતી છે કે બાઈક જલદી પરત અપાવે. ચોરનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે.