Surat News: સુરતમાં 80 સેકન્ડમાં 60 ઘા મારી કાપડના દલાલની હત્યા, પોલીસે મુખ્ય આરોપી અસફાકને ઝડપ્યો

પોલીસને બાતમી મળી હતી કે અસફાક વાપી-વલસાડના ગ્રામીણ વિસ્તારમાં છુપાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાપીના ડુંગરા અમનપાર્ક એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 17 Aug 2025 05:09 PM (IST)Updated: Sun 17 Aug 2025 05:09 PM (IST)
surat-police-arrest-main-accused-asfaq-in-alok-agarwal-murder-case-587018

Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં ગત 1 ઓગસ્ટના રોજ કાપડના દલાલ આલોક અગ્રવાલની હત્યા કેસમાં સુરત પોલીસે મુખ્ય આરોપી અસફાકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે અસફાક વાપી-વલસાડના ગ્રામીણ વિસ્તારમાં છુપાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાપીના ડુંગરા અમનપાર્ક એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં અસફાક એક બંધ રૂમમાં સંતાયેલો હતો. પોલીસે દરવાજો ખખડાવતા તેની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. અસફાકે પોલીસ પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આરોપીના પગમાં ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હતી. અસફાક અને આલોક વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આલોકે અસફાકને તમાચો માર્યો હતો. આથી અસફાકે તેના મિત્રોને આલોકની હત્યાની સોપારી આપી હતી. હત્યારાઓએ આલોક પર 80 સેકન્ડમાં 60થી વધુ ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી અને તેની આંગળીઓ પણ કાપી નાખી હતી. પોલીસે આરોપી પાસેથી એક દેશી કટ્ટો પણ જપ્ત કર્યો છે. અસફાક સામે અગાઉ પણ રાયોટિંગ અને મારામારી સહિતના 7 ગુના નોંધાયેલા છે.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા અસફાક ઉર્ફે કૌવાનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. તેના પર જહાંગીરપુરા, લિંબાયત અને ચૌથાણ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત પોલીસ પર હુમલો, મારામારી, લૂંટફાટ, દારૂ હેરાફેરી અને જીવલેણ હુમલા જેવા અનેક ગુનામાં પણ તે સંડોવાયેલો છે. અગાઉ આ કેસમાં અબરાર શેખ, હદપક સરજુ સિંગ, ભગવાન સ્વાઈ, રમજાન શેખ અને અફસર ખાનની ધરપકડ થઈ ચૂકી છે.