Ahmedabad News: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદમાં સરદારધામ ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ શકરીબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા છાત્રાલય ભવન ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો સંદેશ મારફતે મોકલેલ શુભેચ્છા સંદેશ વિશાળ મેદની સમક્ષ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સરદારધામનું નામ જેટલું પવિત્ર છે એટલું જ તેનું કામ પણ પવિત્ર છે. આજે સમાજના ભગીરથ પ્રયાસોથી 3000 દીકરીઓને ઉત્તમ સગવડ સાથે ભવ્ય ઇમારત મળી છે. જ્યાં દીકરીઓને પોતાના સપના સાકાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. દીકરીઓ પોતાના પગ પર ઉભી હશે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં તેમની અહમ ભૂમિકા સ્વાભાવીક મળશે અને સાથે કુટુંબ પણ સમર્થ બનશે. તેઓએ કહ્યું કે, મારું સૌભાગ્ય હતું કે વર્ષ 2021માં આ ભવનના ભૂમિપૂજનની તક મળી હતી અને આજે આ ભવન દીકરીઓની સેવા અને શિક્ષા માટે તૈયાર છે.
મોદીજીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ એ બાબત સાથે કાર્ય કર્યું અને આજેના વિકાસમાં ગુજરાતમાં મને જે શીખવા મળ્યું તે લેખે લાગી રહ્યું છે. તેઓએ આજથી 25 વર્ષ પહેલાંની ગુજરાતની કન્યા કેળવણીની ચિંતાજનક સ્થિતિને યાદ કરી, તેને સુધારવા અને ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવા તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને લોકોના સાથ સહકારથી મહિલા શિક્ષણના પેરામીટરને સુધારવામાં મળેલ સફળતાનું સ્મરણ કર્યું હતું,
મોદીજીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને અનુસંધાનમાં પ્રત્યેક નાગરિકોને સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવા આહવાન કર્યું હતું. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે, મેક ઇન ઇન્ડિયાને બળ આપવા માટે, મજબૂત અર્થવ્યવસ્થા માટે વેપારીઓને સ્વદેશી વસ્તુઓ વેચવા માટે અપીલ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મતવિસ્તારમાં હજારો દીકરીઓને શૈક્ષણિક ઘડતર અને કારકિર્દીની ઉજ્જવળ રચના માટે સરદારધામ દ્વારા કરાઇ રહેલ કાર્ય માટે સરદારધામના કર્તાધર્તા ભાઈઓ-બહેનો, ટ્રસ્ટીઓ અને દાતાઓને હદયપૂર્વક શુભકામનાઓ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રહિતના કામ માટે પાટીદાર સમાજના દાતાઓએ ભામશા બની સમાજના કામને આગળ વધાર્યું છે તેનું મોટું ઉદાહરણ શકરીબેન ડાહ્યાભાઈ પટેલ ભવન છે. 10000 સ્ક્વેર યાર્ડ ક્ષેત્રફળ અને 6,32,000 સ્ક્વેરફૂટમાં 12 માળ, 440 રૂમ, 2 બેઝમેન્ટ સાથેના આ ભવનમાં 3000 વિધાર્થિનીઓને વાર્ષિક 1 રૂપિયામાં આવાસની સુવિધા મળશે તેમજ GPSC, UPSC ની તૈયારી સાથે IAS, IPS, IRS અને જ્યુડીશિયરીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધે તે માટે આયોજનબદ્ધ તૈયારી કરવા લાયબ્રેરી, ઇ- લાયબ્રેરી, રીડિંગ રૂમની સુવિધા પણ ઊભી કરાઇ છે.
શાહે જણાવ્યું હતું કે, અનેક વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિશેષ કરીને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતમાં સભ્યતાથી સંસ્કૃતિ સુધી, ખેડૂતથી લઈને નવયુવાન સુધી, ગામથી લઈને મહાનગર સુધી દરેક ક્ષેત્રમાં દેશમાં આંખે ઉડીને દેખાય તેવો વિકાસ ગુજરાતમાં થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખવાનું કામ કર્યું છે. ચાહે ગ્રામીણ વિકાસ હોય, શહેરી વિકાસ હોય, આદિવાસી ક્ષેત્ર કે સાગરકાંઠાનું ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રના સમ વિકાસનું મૂળ નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યું હતું. મોદીજીએ મુખ્યમંત્રીકાળ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ થકી ભારતમાં ગુજરાતને ગ્લોબલ ગેટવે બનાવવાનું કાર્ય કર્યું છે. નાની નાની અનેક યોજનાઓના માધ્યમથી લઈને વાઇબ્રન્ટ ગુજરાત જેવી વિશાળકારી યોજના થકી ગુજરાત મોડલ બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશને એક કરવાનું કાર્ય કર્યું, જો સરદાર સાહેબ ન હોત તો ભારતનો આજનો નકશો સંભવ જ ન હોત. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી દેશનો યુવાન, વૃદ્ધ, અને પ્રત્યેક નાગરિક આટલા વર્ષ પછી પણ એક મુખે સરદાર સાહેબ સામે નતમસ્તક છે અને તેઓનું સન્માન કરે છે. ગુજરાત પણ દેશના ઇતિહાસમાં સરદાર સાહેબનું યોગદાન અમૂલ્ય છે. 1960માં ગુજરાતની સ્થાપનાથી આજ સુધી ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બંને સમાંતરે વધ્યા છે. પાટીદાર સમાજે સમાજની સાથે સાથે ગુજરાતનો વિકાસ કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા કરી પરિશ્રમ કરવામાં પાછું જોયા વગર કન્યા કેળવણી, વેપાર-ઉદ્યોગ, ખેતી સહિત દરેક ક્ષેત્રમાં ગુજરાત અને દેશના વિકાસ માટે મોટું યોગદાન આપ્યું છે.
શાહે કહ્યું કે, મોટી બાબત છે કે પાટીદાર સમાજના જે પણ લોકો પગભર થયા, જેમના પર લક્ષ્મીજીની કૃપા થઈ તેઓએ ભામાશા બનીને સમાજના બાકીના લોકોને પણ આગળ વધારવા માટે અભિયાન ચલાવ્યું, રાજ્યભરમાં અનેકવિધ સંસ્થાઓ કાર્યરત થઈ અને સમાજ કલ્યાણમાં મોટું યોગદાન આપ્યું. જ્યાં દીકરી ભણી જાણે તે સમાજ ઝડપથી પગભર થાય ઝડપથી વિકસિત થાય તેનું મોટું ઉદાહરણ સમગ્ર દેશમાં જો કોઈ હોય તો તે પાટીદાર સમાજ છે. શાહે રાજ્યભરમાં વિવિધ એકમો થકી સમાજ કલ્યાણ થી રાષ્ટ્ર નિર્માણના સરદાર ધામના ઉમદા સંકલ્પને સિદ્ધ કરવા માટે કાર્યરત સરદારધામને કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા સંપૂર્ણ સહકાર મળવા અંગે વિશ્વાસ આપ્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને દીકરીઓ માટે તૈયાર કરાયેલા આ ભવન માટે સરદારધામના સૌ ટ્રસ્ટીઓ દાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો જણાવ્યું હતું કે આ સંકુલ પાટીદાર સમાજની હજારો દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે. તેઓએ સરદાર સાહેબના દેશ માટેના અમૂલ્ય યોગદાનનું પણ સ્મરણ કર્યું હતું.