Ahmedabad Student Stabbing Case: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ મામલો વધુ ગરમાયો છે. શાળા સામે વાલીઓ અને સંગઠનોનો વિરોધ ચાલુ છે, ત્યારે પ્રિન્સિપાલના પુત્રએ આ ઘટનાને 'ખ્રિસ્તી માઇનોરિટી સંસ્થા સામેનું કાવતરું' ગણાવતો મેસેજ વાયરલ કરતાં વિવાદે નવો વળાંક લીધો છે.
ગત 19 ઓગસ્ટે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી અને ધોરણ 8ના એક વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં નાના વિદ્યાર્થીએ નયનને છરી મારી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા નયનનું 20 ઓગસ્ટે સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક સિંધી સમુદાય, વાલીઓ અને અન્ય સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. 20 ઓગસ્ટે લગભગ 2,000 લોકોના ટોળાએ શાળા પરિસરમાં તોડફોડ કરીને વાહનો, બસો, અને અન્ય મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં અંદાજે રૂ. 15 લાખનું નુકસાન થયાનો અંદાજ છે.
પ્રિન્સિપાલના પુત્રના મેસેજથી વિવાદ વકર્યો
આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી. ઇમેન્યુઅલ, જેઓ કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)ના પ્રમુખ પણ છે, તેમના પુત્રનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેસેજમાં તેમણે દાવો કર્યો છે કે શાળા સામે થઈ રહેલો વિરોધ એ ખ્રિસ્તી લઘુમતી સંસ્થા સામેનું ષડયંત્ર છે. તેમણે ખ્રિસ્તી સંગઠનો અને કેન્દ્ર સરકારને આ મામલામાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. આ મેસેજે ઘટનાને સામ્પ્રદાયિક રંગ આપ્યો છે, કારણ કે મૃતક નયન સિંધી સમુદાયનો હતો, જ્યારે આરોપી વિદ્યાર્થી એક લઘુમતી સમુદાયનો છે.
શાળા અને પોલીસની બેદરકારીના ગંભીર આરોપો
નયનના પરિવાર અને વાલીઓએ શાળા સંચાલન પર ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ગંભીર રીતે ઘાયલ થયેલા નયનને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ન હતી, અને 30 મિનિટ સુધી તે લોહીલુહાણ સ્થિતિમાં પડ્યો રહ્યો. એટલું જ નહીં, પુરાવા નાશ કરવા માટે શાળાએ લોહીના ડાઘ સાફ કરવા વોટર ટેન્કર બોલાવ્યું હોવાનો આરોપ પણ છે. આ ઉપરાંત, તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે નયન અને આરોપી વિદ્યાર્થી વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ આ મામલે કોઈ ગંભીર પગલાં લીધા ન હતા, જેના કારણે આ ગંભીર ઘટના બની.