Surat Crime News: સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાના બનાવોએ ચકચાર મચાવી છે. આ બનાવોમાં એક સગીર પુત્રએ પિતાની હત્યા કરી છે, જ્યારે અન્ય બે બનાવોમાં જુના ઝઘડા અને અદાવતને કારણે બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. આ ત્રણેય ઘટનાઓ બાદ શહેર પોલીસ સક્રિય બની છે અને હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પિતાના પ્રેમસંબંધોના કારણે સગીર પુત્રએ કરી હત્યા
સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અતિ સંવેદનશીલ ઘટના બની છે, જેમાં માત્ર ૧૭ વર્ષના સગીર પુત્રએ પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી. આ હત્યા પાછળનું પ્રાથમિક કારણ પિતાના પડોશમાં રહેતી એક મહિલા સાથેના કથિત પ્રેમસંબંધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પિતા-પુત્ર વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. શુક્રવાર રાત્રે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં ગુસ્સે ભરાયેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લાવીને પિતાને ઉપરા-છાપરી ઘા માર્યા. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સગીર પુત્રની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિંડોલી અને સહારા દરવાજામાં વધુ બે હત્યાઓ
શહેરમાં બીજી એક ઘટના ડિંડોલીના દેલાડવા ગામ પાસે બની છે. અહીં ખેતરમાંથી શાકભાજીની દલાલીનું કામ કરતા સુભાષ દત્તાક્ષેય લાટે (ઉંમર ૩૮) નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. હત્યારાઓએ સુભાષનું ગળું કાપી નાખ્યું હતું અને તેના શરીર પર પણ ચપ્પુના અનેક ઘા હતા. ઘટનાસ્થળેથી હત્યારાઓના કોઈ સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસ માટે તપાસ એક પડકાર બની છે.
આ પણ વાંચો
આ સિવાય, સહારા દરવાજા પાસે ઓવરબ્રિજ નીચે સુતેલા રાજ પ્રદીપ જેસ્વાલ નામના યુવકને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ હત્યા જુની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક રાજનો ભાઈ અને રીક્ષાચાલક આકાશ સોનવણે વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આકાશ તેનો બદલો લેવા આવ્યો હતો, પરંતુ તેનો ભાઈ ન મળતાં તેણે સુતેલા રાજને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો અને બાદમાં મુંબઈ ભાગી ગયો હતો. પોલીસે રીક્ષા નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.