શહેરી વિકાસ વર્ષમાં PM નરેન્દ્ર મોદી ગુજરાતને ભેટ આપશે, રૂપિયા 2548 કરોડના ખર્ચે અમદાવાદ-ગાંધીનગરમાં થનારા વિકાસકાર્યનું લોકાર્પણ કરશે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 25 Aug 2025 10:59 AM (IST)Updated: Mon 25 Aug 2025 11:03 AM (IST)
pm-modi-to-inaugurate-rs-2548-crore-development-works-in-ahmedabad-gandhinagar-during-urban-development-year-591374
HIGHLIGHTS
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના રૂપિયા 2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
  • આ ઉપરાંત, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવશે.

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા રૂપિયા 2548 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતને આ ભેટ એવા સમયે મળશે જ્યારે રાજ્ય શહેરી વિકાસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ બે દાયકાની સિદ્ધિને આગળ ધપાવતાં ગુજરાત સરકાર નાગરિકો માટે ઇઝ ઑફ લિવિંગના સતત પ્રયાસો કરી રહી છે.

અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના રૂપિયા 2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના રૂપિયા 2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન ઘટક હેઠળ રામાપિરના ટેકરામાં સેક્ટર-3માં આવેલ 1449 ઝુંપડાઓનાં પુન:વસનની કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ કેમ્પસમાં કૉમન પ્લોટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર, સોલર રુફટૉપ સિસ્ટમ, દરેક ઘરમાં પી.એન.જી. ગેસ કનેક્શન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

વડાપ્રધાન અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત જલ જીવન મિશન હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે દસ્ક્રોઈ તાલુકામાં રૂપિયા 27 કરોડના ખર્ચે 15 લાખ લિટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી 23 કિ.મી. લંબાઇમાં ટ્રન્ક મેઇન પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનું વડાપ્રધાનલોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઔડા વિસ્તારના 10 ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

અમદાવાદમાં ખાતમુહૂર્તના કાર્યો નાગરિકોની સુવિધામાં કરશે વધારો

વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, થલતેજ વોર્ડ અને પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડ, પશ્વિમ ઝોન ચાંદખેડામાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલ્વે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવશે. આ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ પ્લોટ પર બનાવવામાં આવશે, જે માટે લગભગ રૂપિયા 56.52 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવામાં યોગદાન આપશે.

આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની કલાણા-છારોડીમાં આવેલ ટી.પી.સ્કીમ. નં. 139/સી, 141 અને 144માં 24 મી. અને 30 મી. રોડ ફોર લેન બનાવવા અંગેનું કામ રૂપિયા 38.25 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેનું વડાપ્રધાનખાતમુહૂર્ત કરશે.

સરદાર પટેલ રિંગ રોડ છ લેન સુધી પહોળો થશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાનઆ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

ગાંધીનગરને મળશે રૂપિયા 281 કરોડના વિકાસકાર્યોની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ રૂપિયા 281 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા રૂપિયા 243 કરોડ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) દ્વારા રૂપિયા 38 કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 243 કરોડના હાથ ધરાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સ દ્વારા શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત રસ્તાની સુવિધાઓ ઊભી થશે, જાહેર સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોમાં વધારો થશે, પૂર અને વોટરલૉગિંગ જેવી સમસ્યાઓને અસરકારક રીતે અટકાવવામાં આવશે તેમજ દરેક નાગરિકને શુદ્ધ અને સુરક્ષિત નર્મદા પીવાનું પાણી સતત ઉપલબ્ધ થશે.

રૂપિયા 44 કરોડના ખર્ચે પેથાપુર અને રાંધેજા ખાતે ચરેડી હેડવર્ક્સથી ચાર ઊંચા સંગ્રહ ટાંકા (ESRs) સુધી નવી યોજાયેલ પાઇપલાઇન પ્રણાલીની મદદથી શુદ્ધ નર્મદા પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું વડાપ્રધાનલોકાર્પણ કરશે. આ પ્રકલ્પથી આશરે 55,000 નાગરિકોને લાભ થશે, જેના પરિણામે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ડભોડા ખાતે રૂપિયા 38.14 કરોડના ખર્ચે 1.0 એમ.એલ.ડી. ક્ષમતાના 2-નંગ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 2.5 એમ.એલ.ડી. ક્ષમતાનો 1 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 4 સુએજ પંપિંગ સ્ટેશન તથા ગામતળમાં ડ્રેનેજ નેટવર્ક કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાનલોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી આશરે 17,000 લોકોને લાભ થશે.

ગાંધીનગર શહેરમાં થનારા મહત્વના ખાતમુહૂર્તના કાર્યો

વડાપ્રધાનના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ટીપી-24 રાંધેજામાં ગટર નેટવર્કની કામગીરી અને સુએજ પમ્પિંગ સ્ટેશન (2 નંગ) નું બાંધકામ, રાઇઝિંગ મેઇન તેમજ 2 વર્ષ માટે સંચાલન અને જાળવણી કરવાની કામગીરી, પેથાપુર ખાતે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન નાખવાની કામગીરી, રૂપિયા 72 કરોડના ખર્ચે ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રોડના બાંધકામની કામગીરી, કોબા, રાયસણ અને રાંદેસણ ખાતે પાણીની લાઈન અને ગટર લાઈન નાખવાની કામગીરી તેમજ ભાટ-મોટેરા લિંક રોડના નવીનીકરણનો સમાવેશ થાય છે.