Surat News: સુરતના અડાજણ સ્થિત રામજી ઓવારા પાસે આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રાજસ્થાન રાજ્યની ગરાસીયા ગેંગના સાગરિતને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ સુરતના અડાજણ રામજી ઓવારા ખાતે આવેલા ગુરુરામ પાવન ભૂમિના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાં ગત 11 ઓગસ્ટના રોજ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી આવી જૈન મંદિરના પરિસરમાં પ્રવેશ કરી તેમજ મંદિરની દીવાલ પર કરેલી કોતરાણી કોઈ સાધન વડે તોડી દેરાસરમાં રહેલી દાનપેટી તોડી તેમાંથી આશરે 45 હજાર રોકડા રૂપિયા, આ ઉપરાંત પાશ્વનાથ ભગવાનની મૂર્તિના બે ચાંદીના ચક્ષુ તથા બે ચાંદીના કપાળી તથા સીમંધરસ્વામી ભગવાનની મૂર્તિના બે ચાંદીની કપાળી મળી કુલ 70 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો
આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનના પીંડવાર નજીક આવેલા અંતરીયાળ ગામડાઓના ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહન (ગરાસીયા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે પોતાના સાગરીતો લાડુરામ માલાજી ધનાવત (ગરાસીયા) તથા કરણ ખુમારામ સીસોદીયા (ગરાસીયા) સાથે મળીને ચોરી કરી હતી. જેથી પોલીસે લાડુરામ માલાજી ધનાવત અને કરણ ખુમારામ સીસોદીયાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ભૂતકાળમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાએ જૈન દેરાસર, મંદિરોના પથ્થર ઘસવાની મજુરી કામ કરતા હોય જેથી જૈન દેરાસર તથા મંદિરની મૂર્તિઓ ઉપર ચઢાવેલા આભુષણો અને દાનપેટીઓના જાણકાર છે અને અંતરીયાળ વિસ્તાર તથા હાઈવે નજીક આવેલા જૈન દેરાસરો તથા મંદિરોની માહિતી મેળવી રાજસ્થાન ખાતેથી આવીને ચોરીના ગુનાને અંજામ આપી પરત વતનમાં જતા રહે છે. વધુમાં પકડાયેલા આરોપી લાલારામ ગંગારામ સોહન સામે અગાઉ ભાવનગર, કરજણ, ભરૂચ, સુરતના કામરેજ, પાટણ, અમદાવાદ, ખેડા અને રાજસ્થાનમાં જૈન દેરાસર અને મંદિરમાં ચોરી સહીત કુલ 11 ગુના નોંધાયેલા છે.