ઉત્તર ગુજરાતમાં સતત ચોથા દિવસે મેઘરાજાની બઘડાટી: ઈડરમાં બે કલાકમાં 30 મિ.મી સાથે આજે અઢી ઈંચ વરસાદ ખાબક્યો, નદી-નાળા છલકાયા

આજે આખા દિવસ દરમિયાન 207 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 66 મિ.મી (2.6 ઈંચ) વરસાદ ખાબક્યો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 24 Aug 2025 05:11 PM (IST)Updated: Sun 24 Aug 2025 05:11 PM (IST)
sabarkantha-news-207-taluka-gets-rain-across-the-gujarat-till-4-pm-on-24th-august-591071
HIGHLIGHTS
  • છેલ્લા 2 કલાકમાં 99 તાલુકામાં મેઘમહેર
  • સરકારી ચોપડે અમદાવાદમાં 19 મિ.મી વરસાદ

Sabarkantha | Gujarat Rain Data: ગુજરાત ઉપર સક્રિય થયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાતમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાને જોતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે આજે સવારથી સાબરકાંઠામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

જો સાબરકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો, આજે આખા દિવસ દરમિયાન ઈડર તાલુકામાં સૌથી વધુ 61 મિ.મી (2.4 ઈંચ) જેટલો વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, વીતેલા બે કલાકમાં જ ઈડરમાં 30 મિ.મી (1 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય વડાલીમાં 26 મિ.મી, પ્રાંતિજમાં 24 મિ.મી, હિંમતગરમાં 24 મિ.મી, તલોદમાં 13 મિ.મી, વિજયનગરમાં 11 મિ.મી, ખેડબ્રહ્મામાં 2 મિ.મી વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી ગાંડીતુર બની છે. આ સિવાય ભિલોડાની ઈન્દ્રાસી નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેતરમાં પાકને નવજીવન મળવાથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

આજે 207 તાલુકામાં મેઘમહેરઃ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 66 મિ.મી ખાબક્યો
સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા સહિત અત્યાર સુધીમાં રાજ્યના 207 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 66 મિ.મી (2.6 ઈંચ) વરસાદ નોંધાયો છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 32 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 29 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જે પૈકી 26 ઓગસ્ટ સુધી મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લીમાં અત્યંત ભારે તેમજ બનાસકાંઠા-પાટણમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27 થી 29 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં અતિભારે અને મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.