Rajkot: શહેરના મોરબી રોડ પર વેલનાથપરા રહેતા દંપતી વચ્ચે કજિયો થતા પત્ની ઘરેથી નીકળી ગઇ હતી. જેથી પતિ તેને શોધવા નીકળ્યો હતો. પરંતુ પત્ની મળી ન આવતા પતિએ ઘરે આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.22/14માં રહેતા જયેશ હિરાભાઇ સારગાણી (ઉ.વ.40)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે રૂમમાં એગલ સાથે ટુવાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો.
આજે સવારે તેને પત્ની સાથે ઝઘડો થતા પત્નીની ઘરેથી નીકળી જવાનુ કહ્યુ હતુ જેથી પત્ની કયાંક જતી રહી હતી બાદમાં મૃતક જયેશ પત્નીને શોધવા નીકળ્યો હતો. જો કે પત્ની મળી ન આવતા તેણે ઘરે આવી આ પગલું ભરી લીધાનુ જણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.