Ahmedabad: ગુજરાતમાં વરસાદ લાવતી ચારેક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 24 ઓગસ્ટ સુધી તોફાની વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. જેના પગલે લાંબા વિરામ બાદ છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં આજે અમદાવાદમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ચોમાસું ધરી ઉત્તર તરફની થતાં હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.
જેના પગલે આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. જ્યારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અમદાવાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને જોત-જોતામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
આજે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પણ અમદાવાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટું પડ્યું હતુ. જે બાદ સાંજે ફરીથી પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જેમાં શહેરના એસ.જી. હાઈવે, મણિનગર, બોપલ, વસ્ત્રાલ, જમાલપુર, વાસણા, રાણિપ, પાલડી, સેટેલાઈટ, રિવરફ્રન્ટ, નહેરુંનગર, હાથીજણ, શેલા, શિવરંજની, વાડજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
