Rajkot Rain News: છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. ધીમી ધારે વરસાદ વરસવાના કારણે છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી, અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે એલર્ટ નજીકના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય ત્રણ ડેમમાં પણ જળસ્તરમાં વધારો થયો છે.
આજે બપોર સુધીનો વરસાદનો આંકડો
આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો જામ કંડોરણામાં 2 ઇંચ, ગોંડલમાં 1.5 ઇંચ, લોધિકામાં 1.3 ઇંચ, રાજકોટમાં 1.1 ઇંચ, પડધરીમાં 1 ઇંચ, કોટડાસાંગાણીમાં 24 મિ.મી., ધોરાજીમાં 21 મિ.મી., જસદણમાં 15 મિ.મી., ઉપલેટામાં 15 મિ.મી., જેતપુરમાં 15 મિ.મી., વીંછીયામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે. આજી ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે અને તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આથી, ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે.
આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા
શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મનપાના ફાયર બ્રિગેડ દ્વારા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડેમ આસપાસના વિસ્તારોમાં ફરીને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે લોધિકા અને જામકંડોરણામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ગોંડલ પાસેનો વેરી જળાશય 70 ટકા ભરાતાં ચેતવણી સંદેશ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસે આવેલા વેરી જળાશય 70 ટકા પાણીથી ભરાયેલ છે. આ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા/રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કોઈએ અવરજવર કરવી નહીં. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ગોંડલ, કાંટોલીયા તેમજ વોરા કોટડાના લોકોને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા, ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી સંદેશ અપાયો છે.
પડધરીનો ડોન્ડી ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ સંદેશ
રાજકોટના પડધરી તાલુકામાં આવેલ ડોન્ડી ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ સંદેશ જારી કરાયો છે. આ યોજના પૂર્ણ ભરાતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. લોધીકા તાલુકાના પાંભર ઈટાળા, નાના ઈટાળા, લક્ષ્મી ઈટાળા, હડિયાદ ગામો માટે હાઈ એલર્ટ સંદેશ જારી કરવામાં આવ્યો છે.

જસદણનો માલગઢ ડેમ 90 ટકા ભરાતા ચેતવણી સંદેશ
રાજકોટના જસદણ તાલુકામાં આવેલો માલગઢ ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. આથી હાઈ એલર્ટ જારી કરાયું છે કે, આ યોજના પૂર્ણ ભરાતા/ ઓવર ફ્લો થતા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. બોટાદ, રાજકોટ તથા ભાવનગર જિલ્લાનાં ગામો પૈકી જસદણ તાલુકાના ભડલી, ગઢડા તાલુકાનાં રામપરા તથા વલભીપુર તાલુકાનાં આનંદપુર ગામ માટે હાઈ એલર્ટ જારી કરાયું છે. ઉપરાંત વધારાનાં ગામોમાં ગઢડા તાલુકાનાં માંડવધાર, કેરાળા, ગઢડા, અડાતલા, પીપળ, તાતણ, લાખણકા, તથા ઈશ્વરીયા તથા વલભીપુર તાલુકાના ડરેડ, મેલાણા, હડમતીયા, લોલીયાણા, પચેગામ, ખેટાટીમ્બા તથા વલભીપુર માટે ખાસ સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળ સપાટી 159.37 મીટર છે. જ્યારે ડેમ હાલ 159.25 મીટર ભરાયેલો છે.
છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો કોટડા સાંગાણીમાં 4 ઇંચ, લોધિકામાં 2 ઇંચ, જામ કંડોરણામાં 1.9 ઇંચ, ધોરાજીમાં 1.6 ઇંચ, ગોંડલમાં 1.4 ઇંચ, ઉપલેટામાં 1 ઇંચ, જસદણણાં 23 મિ.મી., જેતપુરમાં 22 મિ.મી., રાજકોટમાં 16 મિ.મી.,પડધરીમાં 14 મિ.મી. અને વીંછીયામાં 6 મિ.મી. વરસાદ વરસ્યો છે.