Rajkot News: ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે વ્યાપક ફરિયાદ વચ્ચે 200 વિદેશી વિદ્યાર્થી પોલીસ દ્વારા વ્યાપક ચેકીંગ કરવામાં આવ્યું

આગામી દિવસોમાં આ મામલે વિઝા ભંગ કરનાર આવા વિદેશી વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 25 Aug 2025 06:13 PM (IST)Updated: Mon 25 Aug 2025 06:13 PM (IST)
200-foreign-students-subjected-to-extensive-checking-by-police-amid-widespread-complaints-about-illegal-activity-591619

Rajkot News: રાજકોટમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં હોય તેમજ નશાકારક પદાર્થોનું સેવન અને વેચાણ કરતાં હોવાની ફરિયાદો ગૃહમંત્રી સુધી થયા બાદ આજે અમદાવાદ નાર્કોટીકસ વિભાગની ટીમે એસઓજી અને ક્રાઈમબ્રાંચને સાથે રાખી મારવાડી તેમજ દર્શન યુનિવર્સિટી સહિતનાં મોરબી રોડ પર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતાં 200 જેટલા વિદ્યાર્થીઓનું ચેકીંગ કર્યુ હતું.

નાર્કોટીકસ બ્યુરો, એસઓજી અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ 10 જેટલી ટીમોએ શહેરનાં રતનપર, હડાળા, ગવરીદડ અને માધાપર વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતાં આવા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા સહિતની બાબતો ઉપર ચેકીંગ કર્યુ હતું. આગામી દિવસોમાં આ મામલે વિઝા ભંગ કરનાર આવા વિદેશી વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે.

શહેરના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી અને દર્શન યુનિવર્સિટી સહિતનાં શૈક્ષણિક સંકૂલોમાં અભ્યાસ કરતાં અફ્રિકા તેમજ અન્ય વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં હોય આ મામલે છેલ્લા ઘણા વખતથી સ્થાનિક ગ્રામજનો તેમજ સોસાયટીનાં રહીશોને આવા વિદેશી વિદ્યાર્થીઓ સાથે માથાકુટ થાય છે.

જેને લઈને સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું હોય ગ્રામજનો અને સ્થાનિકોએ આ વિદેશી વિદ્યાર્થીઓ ગોરખ ધંધા કરતાં હોય તેમજ નશીલા પદાર્થનોનું સેવન અને વેચાણ કરતાં હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ ઉપરાંત ગૃહ મંત્રીને કરી હોય જેને લઈને ગૃહ વિભાગ તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.

અમદાવાદ નાર્કોટીકસ બ્યુરોની એક ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. સ્થાનિક શહેર એસ.ઓ.જી.ના પીઆઈ એસ.એમ.જાડેજા તેમજ ક્રાઈમ બ્રાંચના પીઆઈ સી.એચ.જાદવને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી આવા વિદેશી વિદ્યાર્થીઓ કે જ્યાં મકાન ભાડે રાખી પી.જી.તરીકે રહેતાં હોય ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

પોલીસને મળેલી 200 જેટલા વિદ્યાર્થીઓની યાદીને લઈને રાજકોટના ભાગોળે રતનપર, માધાપર, હડાળા અને ગરીવદડ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. પાસપોર્ટ તેમજ વિઝા બાબતે અને વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આવા વિદેશી વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર આવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં હોય તે બાબતની તપાસ કરવામાં આવી છે. જેમાં ત્રણ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ વિઝા ભંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આગામી દિવસોમાં તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે.