Paresh Goswami Ni Agahi: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 24 ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 24 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને વાપી જિલ્લામાં 2થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, અને એકાદ-બે સેન્ટરમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પણ શક્ય છે. જ્યારે નર્મદા, ભરૂચ, અંકલેશ્વર અને સુરતમાં 1થી 2 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. મધ્યપ્રદેશને અડીને આવેલા મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં 2થી 5 ઇંચ સુધીનો વરસાદ પડવાનું અનુમાન છે, જેમાં એકાદ-બે સેન્ટરમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ પણ આવી શકે છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં હજુ પણ 3થી 5 ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે એકાદ-બે સેન્ટરમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. આ ત્રણ જિલ્લા સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમથી સારો વરસાદ ચાલુ રહેશે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના ઉત્તર ભાગોમાં પણ સારા વરસાદની અપેક્ષા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, જ્યારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મધ્ય ગુજરાતના વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં 24 ઓગસ્ટ, 2025ના રોજ મોડી રાત સુધીમાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં 2થી 4 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં 1થી 2 ઇંચ સુધીનો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, વરસાદની વર્તમાન સિસ્ટમ હજુ પણ સમગ્ર ગુજરાતમાં સક્રિય છે. બંગાળની ખાડીમાંથી આવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન, જે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું, તે ગુજરાત પર ખૂબ વરસ્યા બાદ હાલ રાજસ્થાનના દક્ષિણ ભાગો અને પૂર્વ રાજસ્થાન ઉપર કેન્દ્રિત થયું છે. તેમ છતાં, તેની સિયર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી હજુ પણ વરસાદ ચાલુ છે.