Jamnagar: જામનગરના શેખપાટ ગામના વતની અને મેડિકલ સંચાલક જયેશભાઈ કણજરિયાનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. મેળામાંથી પરત ફરતી વખતે તેમનું બાઇક આડે ઉતરેલા ખૂંટિયા સાથે અથડાતા સ્લીપ થયું હતું.
તા. 28મી ઓગસ્ટના રોજ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં 29 વર્ષીય જયેશભાઈ વલ્લભભાઈ કણજરીયાએ (રહે. શેખપાટ, તા. જિ. જામનગર) અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ, તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગત શનિવારે અમાસ નિમિત્તે જયેશભાઈ અન્ય લોકો સાથે ચંગા-ચેલા નજીક મચ્છુ બેરાજા પાસે ભરાતા ભોળેશ્વર મહાદેવના મેળામાં ગયા હતા. મેળામાંથી તેઓ પોતાના બાઇક પર એકલા પરત ફરી રહ્યા હતા, ત્યારે ચંગા-ચેલા વાળા રોડ પર રિલાયન્સના ગેટ નંબર 8 પાસે અચાનક એક ખૂંટિયો આડો ઉતર્યો હતો. ખૂંટિયા સાથે બાઇક અથડાતા તે સ્લીપ થઈ ગયું અને જયેશભાઈ રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજા થતા પ્રથમ જામનગરની જીજી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.