Rajkot: રાજકોટ-જેતપુર સિકસલેન હાઇવેનું કામ પુર્ણ કરવાની આગામી તા.26 સપ્ટેમ્બરના રોજ મુદત પુર્ણ થઇ રહી છે તે પુર્વે નેશનલ હાઇવે ઓથોરીટીએ ‘મોસાળે જમણ અને માં પીરસે’ કહેવત મુજબ કોન્ટ્રાકટરને વધુ એક વર્ષની મુદત લંબાવી દીધી છે.
તા.25/8/2022ના રોજ શરૂ થયેલા આ સિક્સલેન હાઇવેનું કામ પુરૂ કરવાની મુદત તા.8 જુન 2024 હતી, પરંતુ ત્યાં સુધીમાં કામ પુરૂ નહીં થતા હાઇવે ઓથોરીટીએ કોન્ટ્રાકટરને તા.26/9/2025 સુધી મુદત લંબાવી દીધી હતી. આમ છતા કામ પુરૂ નહીં થતા વધુ એક વર્ષની મુદત લંબાવી દીધી છે.
આમ રાજકોટથી જૂનાગઢ-સોમનાથ કે પોરબંદર જિલ્લામાં આવ-જા કરતા વાહન ચાલકોને હજુ એક વર્ષ સુધી ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડશે અને આ મુદત વધારામાં પણ કામ પુર્ણ નહીં થાય તો વાહન ચાલકોએ ત્યારબાદ પણ યાતના ભોગવવી પડશે.
67 કી.મી.નું આ કામ બે વર્ષમાં પુર્ણ કરવાનું હતું પરંતુ હજુ માત્ર 42 ટકા કામ જ પૂર્ણ થયું છે અને અગાઉ એક વર્ષનો મુદત વધારો અપાયા બાદ વધુ એક વર્ષના મુદત વધારાની લહાણી કરી દેવામાં આવી છે.
અણધડ કામના કારણે આ રોડ ઉપર રોજેરોજ ટ્રાફીક જામ થાય છે અને કલાકો સુધી વાહન ચાલકો ફસાઇ જાય છે. પરંતુ સરકારી એજન્સીઓ- કોન્ટ્રાકટરો અને નેતાઓની નફફટ સિન્ડિકેટ માત્ર આસ્વાસન આપીને લોકોને મુર્ખ બનાવી રહેલ છે.
રાજકોટથી જેતપુર વચ્ચે 67 કિલોમીટરના અંતરમાં રૂપિયા 1204 કરોડના ખર્ચે બની રહેલા સિક્સ-લેન હાઈવેની કામગીરી નિર્ધારિત સમય કરતાં અત્યંત ધીમી ચાલી રહી છે. આ કામગીરી સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થવાની હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 42% જેટલું જ કામ પૂર્ણ થયું છે. હાલની ગતિને જોતા આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં હજુ એક વર્ષથી વધુ સમય લાગી શકે છે અને તે સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે તેવી શક્યતા છે.
આ હાઈવે પર કુલ 30 નવા બ્રિજ બનાવવામાં આવનાર છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ચાર બ્રિજનું કામ પૂર્ણ થયું છે. 15 બ્રિજનું કામ 50% પૂર્ણ થયું છે, જ્યારે 11 બ્રિજનું કામ તો હજુ શરૂ પણ થયું નથી. આ ધીમી કામગીરીના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના કારણે લોકોને બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે.
રાજકોટના જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આ મામલે જણાવ્યું કે, હાઈવેની કામગીરી 42% જેટલી પૂર્ણ થઈ ગઈ છે અને તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમણે ખાસ કરીને વરસાદના કારણે પડેલા 57 જેટલા મોટા ખાડાઓ અંગે પણ નોંધ લીધી છે અને હાઈવે ઓથોરિટીને એક સપ્તાહની અંદર તમામ ખાડાઓનું રિપેરિંગ કરી દેવા માટે ભારપૂર્વક સૂચના આપી છે.
આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ભાદરથી રાજકોટ સુધી નવી પાઈપલાઈન નાખવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે સર્વિસ રોડ પર કામ કરવાની મંજૂરી માગવામાં આવી છે. જોકે, હાઈવેની કામગીરી ચાલુ હોવાથી ડિસેમ્બર બાદ જ આ મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.