Vadodara: વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રે બનેલા ગંભીર બનાવમાં શહેરની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરનાર વધુ બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ કેસમાં અગાઉ સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ધરપકડ થઈ હતી.
ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના સમયમાં મદાર માર્કેટ બિલ્ડીંગના ધાબેથી અસામાજિક તત્વોએ પૂર્વનિયોજિત કાવતરું રચી પાણીગેટ–માંડવી રોડ પરથી પસાર થતી નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર પાંચ ઇંડા ફેંક્યા હતા. આ ઘટનાથી શહેરમાં કોમી તણાવ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા સીટી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપથી કાર્યવાહી કરી આરોપી સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા
પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપી સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશીની પૂછપરછ તથા ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે પોલીસને જાણવા મળ્યું કે આ કાવતરામાં જુનેદ ઉર્ફે મોટો મગર હનીફભાઇ મલેક અને જાવીદ ઉર્ફે નાનો મગર હનીફભાઇ મલેક, (બન્ને રહેવાસી ખાનગાહ મહોલ્લો, માસુમબાવાની દરગાહની ગલી, પહેલો માળ,) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્નેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા જણાવાયું છે કે શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવી ઘટનાઓને સહન કરવામાં નહીં આવે. સમગ્ર ઘટનાને લઈ ગુનાની વધુ તપાસ ચાલુ છે.
આરોપીનું સરઘસ કાઢ્યું હતું
ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના આરોપમાં ઝડપાયેલા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જવાયા હતા. બંને આરોપીઓના હાથમાં દોરડા બાંધી પોલીસે તેમને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.