Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ

આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 28 Aug 2025 11:17 PM (IST)Updated: Thu 28 Aug 2025 11:17 PM (IST)
indias-first-end-to-end-osat-facility-inaugurated-at-sanand-gujarat-by-chief-minister-bhupendra-patel-593433

Ahmedabad News: ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર 2024માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને એક વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે, તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત હરહંમેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગુજરાતે હંમેશાં લીડ લીધી છે. સેમીકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ 2022માં સેમી કંડક્ટર પોલીસી લોન્ચ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ભારત સરકારે ગુજરાતમાં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એક સાથે ચાર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ અવશ્ય લઈ જશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે. વર્લ્ડ ઇકોનોમી એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં ગ્લોબલ ઇકોનોમીમાં ભારતનું યોગદાન 20 ટકા સુધી પહોંચશે. એટલું જ નહીં ગ્લોબલ રેટિંગ એજન્સી એ પણ ભારતની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરી છે.