Surat: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ મજબૂત બનીને જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેમ-તેમ રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સુરત જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હોય તેમ લાગી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સુરતના છેવાડે આવેલા તેમજ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડામાં દિવસભરના બફારા બાદ બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
ઉમરપાડામાં સવારે 6 થી 8 કલાકમાં વરસાદનું ઝાપટું પડ્યા બાદ અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે બપોરે 2 વાગ્યાની આસપાસ ઉમરપાડાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધી મેઘરાજાએ ઉમરપાડામાં ધોધમાર બેટિંગ કરતાં માત્ર 4 કલાકમાં 176 મિ.મી (6.9 ઈંચ) વરસાદ તૂટી પડ્યો હતો.
ઉમરપાડામાં ખાબકેલા ભારે વરસાદના કારણે તાલુકાની મુખ્ય નદીઓ પૈકી મોહન અને વીરા ગાંડીતૂર બની છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે જનજીવન થંભી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
નાળામાં ખાબકી રહેલા મોપેડ ચાલકને લોકોએ જીવના જોખમે રેસ્ક્યુ કર્યો
આ દરમિયાન તાલુકાના ઊંચાવાન ગામ નજીક એક મોપેડ ચાલક લાકડા લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે નાળાના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. જો કે યુવકે બચાવવા માટે બૂમાબૂમ કરતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને જીવના જોખમે તેને બચાવી લીધો હતો.

બીજી તરફ ઉમરપાડા તાલુકાના મામલતદાર આર.કે. ચૌધરીએ જણાવ્યું કે, ભારે વરસાદના કારણે તાલુકાના અનેક રસ્તાઓ પર અવરજવર બંધ છે. હાલ વહીવટી તંત્ર સતર્ક છે, તેમજ લોકોને નદીના કાંઠે ના જવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ તલાટીઓને પણ ગામની સ્થિતિ પર નજર રાખવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.