Surat News: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલ નજીકની એક જર્જરિત ઇમારતને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી. આ ઇમારત ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતી અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હતી, જેના કારણે આસપાસના વિસ્તાર માટે મોટું જોખમ ઊભું થયું હતું.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયું ડિમોલિશન
ઇમારતની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ડિમોલિશન પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી હતી, કારણ કે ઇમારત સમરસ હોસ્ટેલની એકદમ નજીક આવેલી હતી. એન્જિનિયરો અને નિષ્ણાતોની એક ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું અને ડિમોલિશનની દિશા અને પદ્ધતિ નક્કી કરી હતી.
કોઈ જાનહાનિ નહીં
ઇમારતને નિયંત્રિત રીતે તોડવા માટે, તેના મુખ્ય પિલરોને સમરસ હોસ્ટેલની વિરુદ્ધ દિશામાં તોડવામાં આવ્યા હતા, જેથી ઇમારત હોસ્ટેલ તરફ નમીને પડવાને બદલે સુરક્ષિત રીતે બીજી દિશામાં ધરાશાયી થાય. આ ડિમોલિશન દરમિયાન આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું અને કોઈ વ્યક્તિને ઈજા પણ પહોંચી નથી. નોંધનીય છેકે આ પ્રકારના જર્જરિત થયેલા બાંધકામો આસપાસના લોકો માટે જોખમી સાબિત શકે છે, તેથી સમયસર અને સુરક્ષિત રીતે તેમને દૂર કરવા જરૂરી છે.