Ahmedabad | Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાતમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં એકાદ-બે દિવસમાં વિરામ બાદ ફરીથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ આખા દિવસ દરમિયાન રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જે પૈકી સૌથી વધુ સાડા 7 ઈંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બંગાળના ઉપસાગર ઉપરથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે આગામી 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 1 સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ રાઉન્ડમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં 2 થી 10 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં આગામી 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ઘણાં ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જેના કારણે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ભારે વરસાદના કારણે ગુજરાતની નદીઓમાં નવા નીરની આવક થશે અને ડેમ છલકાશે.
આજે ગુજરાતના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો
આજે સૌથી વધુ 190 મિ.મી (7.4 ઈંચ) ધોધમાર વરસાદ સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે. આ સિવાય છોટા ઉદેપુરના ક્વાંટમાં 80 મિ.મી (3.1 ઈંચ), દાહોદના દેવગઢ બારિયામાં 75 મિ.મી (2.9 ઈંચ), છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 74 મિ.મી (2.9 ઈંચ), તાપીના વ્યારામાં 68 મિ.મી (2.6 ઈંચ), સાબરકાંઠાના ઈડરમાં 65 મિ.મી (2.5 ઈંચ) સુધીનો વરસાદ નોંધાયો છે.
આમ આજે આખા દિવસ દરમિયાન આજે રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 2 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.