Gandhinagar | Gujarat Rain Data: ગુજરાતમાં 24 તારીખ બાદ વરસાદનું જોર એકંદરે ઘટી ગયું હતુ. જો કે બંગાળની ખાડી પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતના અલગ-અલગ ભાગોમાં આજે વહેલી સવારથી નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે.
આજે વહેલી સવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે સાંજ પડતાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ 73 મિ.મી (2.8 ઈંચ) વરસાદ ખાબક્યો હતો.
જ્યારે અમદાવાદ શહેરમાં પણ એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાલ, રાણીપ, મણીનગર, અમરાઈવાડી, નિકોલ, નરોડા, બોપલ, શિવરંજની સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. આમ છેલ્લા 2 કલાકમાં અમદાવાદ શહેરમાં 12 મિ.મી વરસાદ વરસ્યો છે.
છેલ્લા 2 કલાકમાં અન્ય તાલુકામાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, અરવલ્લીના મેઘરજમાં 51 મિ.મી, સાબરકાંઠાના તલોદમાં 48 મિ.મી, પ્રાંતિજમાં 37 મિ.મી., હિંમતનગરમાં 35 મિ.મી, ઈડરમાં 30 મિ.મી, વડાલીમાં 20 મિ.મી વરસાદ નોંધાયો છે.
આજે ગુજરાતના 117 તાલુકામાં નોંધપાત્ર વરસાદઃ સુરતના ઉમરપાડામાં 190 મિ.મી વરસ્યો
આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના 34 તાલુકામાં 1 ઈંચથી વધુ, 14 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આખા દિવસ દરમિયાન સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 190 મિ.મી (7.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે.