Chhota Udepur | Gujarat Rain Data: ગુજરાતમાં છેલ્લા એકાદ-બે દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો. વરસાદનું જોર ઘટતા કેટલાક ભાગોમાં લોકોને અસહ્ય બફારો અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. જો કે ફરીથી ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ જોવા મળ્યો હતો.
જો છોટા ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો, સવારથી બફારો રહ્યા બાદ 10 વાગ્યાની આસપાસ જિલ્લાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ક્વાંટ તાલુકામાં સૌથી વધુ 80 મિ.મી (3.1 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય પાવી-જેતપુરમાં 74 મિ.મી (2.9 ઈંચ), છોટા ઉદેપુરમાં 52 મિ.મી (2 ઈંચ), બોડેલીમાં 34 મિ.મી (1.3 ઈંચ) તેમજ નસવાડી અને સંખેડામાં 6-6 મિ.મી વરસાદ વરસ્યો છે.
જે પૈકી વીતેલા 2 કલાકમાં જ પાવી જેતપુરમાં 51 મિ.મી, બોડેલીમાં 20 મિ.મી, છોટા ઉદેપુરમાં 14 મિ.મી, ક્વાંટમાં 5 મિ.મી, નસવાડી અને સંખેડામાં 4-4 મિ.મી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયોઃ સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સવા 4 ઈંચ
આજે સવારથી ગુજરાતના 81 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 108 મિ.મી (4.2 ઈંચ) વરસાદ નોંધાયો છે. જે પૈકી 91 મિ.મી વરસાદ તો માત્ર છેલ્લા 2 કલાકમાં જ ખાબક્યો છે. આ સિવાય દાહોદના દેવગઢ બારીયા 75 મિ.મી, તાપીના વ્યારામાં 60 મિ.મી, નર્મદાના ડેડિયાપાડામાં 48 મિ.મી વરસાદ વરસ્યો છે.
છેલ્લા 2 કલાકમાં 54 તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના છેલ્લા 2 કલાકના સમયગાળમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નેત્રંગમાં 43 મિ.મી, મેઘરજમાં 42 મિ.મી, મોડાસામાં 25 મિ.મી વરસાદ વરસ્યો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન 15 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.