દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય રમતોમાં 44 ગોલ્ડ, 44 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ

રમત ગમત ક્ષેત્રે તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી આ વર્ષે બજેટમાં રૂ. 33 કરોડના ખર્ચે પેરા હાઈ પરફોમેન્સ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 28 Aug 2025 07:36 PM (IST)Updated: Thu 28 Aug 2025 07:36 PM (IST)
gujarat-para-athletes-shine-44-gold-medals-over-8-crore-in-rewards-593321

Gandhinagar News: યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે, તેમનામાં રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં ખેલ મહાકુંભ, શક્તિદૂત, ઇન્સ્કૂલ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર તેમનો જુસ્સો વધારી રહી છે. છેલ્લા બે વર્ષમાં દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ 44 ગોલ્ડ, 44 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા 81 પેરા ખેલાડીઓને કુલ રૂ.8 કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યાં છે.

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રમત – ગમત મંત્રી હર્ષ સંઘવી આગળ વધારી રહ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોમેન્સ સેન્ટર મળી રહે અને રમત ગમત ક્ષેત્રે તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી આ વર્ષે બજેટમાં રૂ. 33 કરોડના ખર્ચે પેરા હાઈ પરફોમેન્સ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓએ પેરા એશિયન ગેમ્સ-2023 અંતર્ગત ચેસ, એથ્લેટિક્સ, પેરા ટેબલ ટેનિસ, બેડમિન્ટન રમતમાં 4 ગોલ્ડ અને 6 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આ ઉપરાંત વર્ષ-2024માં 22મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પેરા એથ્લેટિક્સ રમતમાં હાઈ જંપ, લોંગ જંપ, જેવલીન, 100મી-200મી-400મી દૌડ, લોંગ જંપ, ડિસ્કસ સહિતની રમતમાં 11 ગોલ્ડ, 15 સિલ્વર, 13 બોન્ઝ એમ કુલ -38 મેડલ જીત્યા હતા.

વધુમાં 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 100મી ફ્લાય, 50મી બેક, 50મી ફ્રી, 4*100 મેડલી સ્વિમિંગ, સી.પી.એફ.એસ.આઈ નેશનલ સ્વિમિંગ 50મી ફ્રી સ્વિમિંગ, 100મી ફ્રી સ્પર્ધામાં ભાગ લઈને 09 ગોલ્ડ, 07 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

આ ઉપરાંત પેરા ટેબલ ટેનિસ, યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2023-24માં સિંગલ ક્લાસ -3-4-5-6-7-8, ડબલ એમ.એસ 14, ડબલ એક્સ ડબલ્યુ-7, ડબલ ડબ્લ્યુ એસ-14, ડબલ ડબ્લ્યુ ડબ્લ્યુ 10, ડબલ એમ ડબ્લ્યુ-8માં ભાગ લઈને પેરા ખેલાડીઓએ 12 ગોલ્ડ, 09 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

દિવ્યાંગ ખેલાડીઓએ 21માં સિનિયર અને 16માં જૂનિયર નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2023-24માં પાવર લિફ્ટિંગ 41 કિ.લો, 45-49-54-65-72-73-86-88 કિ.લો કેટેગરીમાં 05 ગોલ્ડ, 07 સિલ્વર અને 02 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. પાંચમાં બેડમિન્ટન ચેમ્પિયનશીપ-2023 અને છટ્ઠા પેરાબેડમિન્ટન ચેમ્પિયનશીપ-2024માં મિક્સ્ડ ડબલ એસ.એચ-6, મિક્સ્ડ ડબલ એસ.એચ એસ.એલ -3, એસ.યુ-5 રમતમાં 1 સિલ્વર અને 04 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

દિવ્યાંગ ખેલાડીઓએ આઠમાં બોચ્ચિયા નેશનલ ચેમ્પિયનશીપ 2023-24માં બોચ્ચિયા રમતમાં બીસી-1 શ્રેણીમાં 01 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એ.આઈ.સી.એફ.બી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપ 2022 અને 2023 ચેસની રમતમાં 2 ગોલ્ડ તેમજ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપ-2024માં 10મી. એરરાઈફલ ડીફ સ્પર્ધામાં 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ તેમજ 22માં કે.એસ.એસ શૂટિંગ ચેમ્પિયનશીપ -2023 અને 2024માં 02 સિલ્વર મેડલ તેમજ પેરા કેનોઈંગ રમતમાં 2 સિલ્વર મેડલ હાંસલ કરીને કુલ 44 ગોલ્ડ, 44 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં પેરા ખેલાડીઓ તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને સમર્પણથી રાજ્યનું ગૌરવ વધારતા આવ્યા છે. તેમની આ સિદ્ધિઓ આજના યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થશે. ખેલાડીઓનો રમત ગમત ક્ષેત્રે વધુ વિકાસ અને તેમના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.