Ahmedabad | IMD Rain Alert: બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે, બીજી તરફ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
IMDના લેટેસ્ટ વેબકાસ્ટ અનુસાર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
જ્યારે અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ,સુરત, સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ અને વડોદરા જિલ્લામાં આગામી 3 કલાક વરસાદની શક્યતાને જોતા ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વીતેલા 2 કલાકમાં 64 તાલુકામાં વરસાદ પડ્યોઃ અમદાવાદમાં 12 મિ.મી ખાબક્યો
સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 64 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 73 મિ.મી (2.8 ઈંચ) વરસાદ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ખાબક્યો છે. આ સિવાય અરવલ્લીના મેઘરજમાં 51 મિ.મી, સાબરકાંઠાના તલોદમાં 48 મિ.મી, પ્રાંતિજમાં 37 મિ.મી, હિંમતનગરમાં 35 મિ.મી અને ઈડરમાં 30 મિ.મી વરસાદ પડ્યો છે.