Surat: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક કરુણ ઘટના બની છે, જ્યાં એક પતિની હત્યા તેના પત્નીના પ્રેમીએ કરી છે. આ બનાવમાં, કામરેજ તાલુકાના જોખાગામ ઇન્દિરા નગરમાં રહેતા અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડની પત્નીનો ગામના જ અતીકભાઈ હરસિંગભાઈ વસાવા સાથે પ્રેમસંબંધ હતો.
27 ઓગસ્ટની રાત્રે, અતીક વસાવા અરવિંદભાઈની પત્નીને મળવા તેમના ઘરના ધાબા પર ગયો હતો. તે સમયે, અરવિંદભાઈ પણ સુવા માટે ધાબા પર પહોંચ્યા અને તેમણે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ લીધી. આ જોઈને અરવિંદભાઈએ ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ.
ઉશ્કેરાયેલા પ્રેમીએ હત્યા કરી
ઝપાઝપી દરમિયાન, ઉશ્કેરાયેલા આરોપી અતીક વસાવાએ અરવિંદભાઈનું માથું દીવાલ સાથે જોરથી અથડાવી દીધું. માથામાં ગંભીર ઈજા થવાને કારણે અરવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં કામરેજ પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી અતીક વસાવાની ધરપકડ કરી છે. આ ઘટના સમાજમાં સંબંધોની કડવી વાસ્તવિકતા અને તેના દુષ્પરિણામોને ઉજાગર કરે છે.