Surat: સુરતના પાંડેસરા તેરેનામ રોડ પાસે આવેલા લક્ષ્મી જવેલર્સમાં ચોરીની ઘટના બની હતી. આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પાંડેસરા પોલીસની ટીમે 3 આરોપીઓને ઉતર પ્રદેશથી ઝડપી પાડ્યા છે તેમજ 9.46 લાખના સોનું કબજે કરવામાં આવ્યું છે.
સુરતના પાંડેસરા સ્થિત તેરેનામ રોડ ગોવર્ધન નગર પાસે આવેલી લક્ષ્મી જવેલર્સમાં ગત 22 ઓગસ્ટના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો રાત્રીના સમતે દુકાનની છત પરના પતરા તથા દુકાનમાં કરેલી પીઓપી કોઈ સાધન વડે તોડી તેની વચ્ચે સેફટી માટે લોખંડના સળિયાની બનાવેલી જાળીમાંથી લોખંડના સળિયા જેવા સાધન વડે દુકાનની દીવાલ પર બનાવેલા શોકેસમાં લાકડાની ટ્રેમાં રહેલા 13.23 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો
પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ દીપુ ગુપ્તા, અરુણસિંગ તથા વિનીતસિંગ આ ગુનાને અંજામ આપીને ઉતર પ્રદેશ ખાતે ભાગી ગયા છે. જેથી આરોપીઓને પકડવા માટે પાંડેસરા પોલીસની એક ટીમ ઉતર પ્રદેશ ગયી હતી જ્યાં ઉતર પ્રદેશના રોબર્ટ ગંજ ખાતેથી આરોપી દીપુસિંગ રામદાસ બુદ્ધિદાસ ગુપ્તા, વિનીતસિંગ ઓમપ્રકાશસિંગ કૈલાશસિંગ અને અરુણેન્દ્રકુમાર મહેન્દ્રસિંગ રામબ્રીજસિંગને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 9,46,730 રૂપિયાની કિમંતનું 119.840 ગ્રામ સોનું કબજે કર્યું હતું.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી દીપુસિંગ જે પાંડેસરા તેરેનામ ચોકડી પાસે રહે છે તેને રૂપિયાની જરૂરિયાત હોય તેરેનામ રોડ ઉપર આવેલા ઘરેણાની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેણે ઉતરપ્રદેશ પોતાના વતનગામની આજુબાજુના ગામના તેના મિત્રો વિનીતસિંગ અને અરુણેન્દ્રસિંગને ફોન કરીને સુરત ચોરી કરવા માટે બોલાવ્યા હતા
વિનીતસિંગ અને અરુણેન્દ્ર સુરત ખાતે આવી ચોરી કર્યાના એક બે દિવસ પહેલા ગુનાવાળી જગ્યાની રેકી પણ કરી હતી. અને લક્ષ્મી જવેલર્સની દુકાનની સામે એક મોટું ઝાડ હોય ચોરી કરવા માટે દુકાન ઉપર ચડીએ તો ઝાડની પાછળ આસાનીથી સંતાઈ શકાય તે માટે લક્ષ્મી જવેલર્સ નામની દુકાનમાં ચોરી કરવાની તારીખ અને સમય નક્કી કર્યો હતો. અને ગત 21 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે ત્રણેય મિત્રોએ મળીને દુકાનની છત પર ચડી છત પર લગાડેલા પતરા તોડી એક લાકડી સાથે હુક બાંધીને દુકાનના શોકેસમાં મુકેલા સોનાના દાગીનાની ચોરી કરી ઉતરપ્રદેશ ભાગી ગયા હતા. આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રકશન પંચનામું પણ કર્યું હતું.