Jamnagar News: જામનગર તાલુકાના સિક્કામાં મહિલાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. સિક્કા હાઈવે પર હોટલ ચલાવતા એક શખ્સે એક મહિલા પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર તાલુકાના સિક્કાની પંચવટી સોસાયટીમાં 36 વર્ષીય વિધવા નિલમબેન અશવાર રહેતા હતા. તેમને સંતાનમાં બે બાળકો છે. મોડી રાત્રે સિક્કા હાઇવે પર હોટલ ચલાવતા સુખદેવસિંહ વીરાજી જાડેજાએ તેમની પાસે અઘટિત માગણી કરી હતી. જોકે નિલમબેને એ માગણી સ્વીકારી ન હતી. જેથી બોલાચાલી થઇ હતી.
બોલાચાલી દરમિયાન સુખદેવસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને નિલમબેન પર તલવારના ઘા ઝીંક્યા હતા. તલવારના ઘાથી ગંભીર ઇજાઓ થતાં નિલમબેનનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક નિલમબેનના ભાઈ દ્વારા સિક્કા પોલીસ મથકમાં સુખદેવસિંહ જાડેજા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.