Chhota Udepur | Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો તો હતો, પરંતુ સામાન્ય ઝાપટા જ પડતા હતા. જો કે વરસાદી સિસ્ટમ જતા-જતા મધ્ય ગુજરાતને તરબોળ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
જો આજની વાત કરીએ તો, આજે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સૌથી વધુ 84 મિ.મી (3.3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, 62 મિ.મી (2.4 ઈંચ) વરસાદ તો છેલ્લા 2 કલાકમાં જ નોંધાયો છે.
આ સિવાય છોટા ઉદેપુર જિલ્લાના અન્ય તાલુકામાં જોઈએ તો, બોડેલીમાં 49 મિ.મી (1.9 ઈંચ), પાવી જેતપુરમાં 43 મિ.મી (1.6 ઈંચ), છોટા ઉદેપુર તાલુકામાં 34 મિ.મી (1.3 ઈંચ), ક્વાંટમાં 10 મિ.મી, નસવાડીમાં 7 મિ.મી વરસાદ વરસ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં ગાંડીતૂર બની છે.
છેલ્લા 2 કલાકમાં 75 તાલુકામાં અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો
બપોરે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન વડોદરાના ડભોઈમાં 48 મિ.મી (1.8 ઈંચ), પાટણના રાધનપુરમાં 25 મિ.મી, બોડેલીમાં 22 મિ.મી. , ખેડબ્રહ્મામાં 22 મિ.મી, દાંતીવાડામાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.
જ્યારે આજે આખા દિવસ દરમિયાન 213 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી 43 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.