PM Modi Ahmedabad Visit: આજથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. અમદાવાદમાં તેમનો રોડ શો શરૂ થયો છે. આજે 25 ઓગસ્ટના રોજ તેઓ અમદાવાદ 5 હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. તેમજ નિકોલમાં જનસભાને સંબોધશે.
ગુજરાતમાં દરેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીએ એ દિવસો જોયા નથી જ્યારે અહીં લગભગ દરરોજ કર્ફ્યુ લાદવામાં આવતો હતો. અહીં ધંધો કરવો મુશ્કેલ હતો. અશાંતિનું વાતાવરણ જાળવવામાં આવતું હતું. અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે અને આ બધું તમે લોકોએ કર્યું છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે વાતાવરણ સર્જાયું છે, તેનાં સુખદ પરિણામો આપણે દરેક જગ્યાએ જોઈ રહ્યા છીએ. આજે ગુજરાતમાં દરેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આપણું રાજ્ય કેવી રીતે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે તે જોઈને સમગ્ર ગુજરાત ગર્વ અનુભવે છે.
ગુજરાતની ધરતીને બે મોહન મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આપણી સેનાની બહાદુરી અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતના સંકલ્પનું પ્રતીક બની ગયું છે. ચરખાધારી મોહન, આપણા પૂજનીય બાપુએ સ્વદેશી દ્વારા ભારતના સમૃદ્ધિનો માર્ગ બતાવ્યો હતો. અહીં આપણી પાસે સાબરમતી આશ્રમ છે. આ આશ્રમ એ હકીકતનો સાક્ષી છે કે જે પક્ષે દાયકાઓ સુધી તેમના નામ પર સત્તા ભોગવી તેણે બાપુની આત્માને કચડી નાખી. તેમણે બાપુના સ્વદેશીના મંત્રનું શું કર્યું? આજે, તમે એવા લોકોના મોઢેથી સ્વચ્છતા અથવા સ્વદેશી શબ્દો સાંભળ્યા નહીં હોય, જેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગાંધીના નામે દિવસ-રાત પોતાની ગાડીઓ ચલાવે છે. આ દેશ એ સમજવામાં અસમર્થ છે કે તેમની સમજણશક્તિનું શું થયું છે?
તમારા હિતો મોદી માટે સર્વોપરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં દરેક વ્યક્તિ આર્થિક હિતો પર આધારિત રાજકારણ કરવામાં વ્યસ્ત છે. અમદાવાદની આ ભૂમિ પરથી, હું મારા નાના ઉદ્યોગસાહસિકો, મારા નાના દુકાનદાર ભાઈઓ અને બહેનો, મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, મારા પશુપાલન ભાઈઓ અને બહેનોને કહીશ અને હું ગાંધીની ભૂમિ પરથી આ કહી રહ્યો છું. મારા દેશના નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો કે પશુપાલકો હોય, દરેક માટે, હું તમને વારંવાર વચન આપું છું કે તમારા હિતો મોદી માટે સર્વોપરી છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને પશુપાલકોને ક્યારેય કોઈ નુકસાન થવા દેશે નહીં. ગમે તેટલું દબાણ આવશે, અમે ટકી રહેવા માટે અમારી તાકાત વધારતા રહીશું. આજે, આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાત તરફથી ઘણી ઊર્જા મળી રહી છે અને આ પાછળ બે દાયકાની મહેનત છે.
22 મિનિટમાં બધુ સફાચટ કરી નાંખ્યું
પીએમ મોદીએ કહ્યું કે, આપણા ગુજરાતે તો કેવા દિવસ જોયા છે. કરફ્યુમાં જીવન ગુજારવું પડે. વાર-તહેવારે અમદાવાદની ધરતી રક્તરંજીત થઇ જતી હતી. આ લોકો આપણું લોહી વહાવતા હતા અને દિલ્હીમાં બેસેલી કોંગ્રેસ સરકાર કંઇ નહોતી કરતી. પરંતુ આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. તેઓ ગમે ત્યાં છૂપાયા હોય. દુનિયાએ જોયું કે કેવી રીતે ભારતે પહેલગામનો બદલો લીધો. તેમણે માત્ર 22 મિનિટમાં જ તેમનો સફાયો કરી દીધો. અમે સેંકડો કિલોમીટર અંદર જઈને આતંકવાદના કેન્દ્ર પર હુમલો કર્યો.
આજે તમે વટ પાડી દીધોઃ મોદી
ઉપસ્થિત મેદનીને સંબોધતી વખતે મોદીએ કહ્યું કે, આજે તો તમે વટ પાડી દીધો. રંગ રાખ્યો આજે તમે. હું આપ સૌનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. જુઓ ત્યાં એક નાનો નરેન્દ્ર પણ ઉભો થયો છે. દેશભરમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ છે. આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી પરિયોજનાઓનો શ્રીગણેશ થયો છે.
પીએમ મોદી દ્વારા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. સભા સ્થળે જતાં પહેલા તેમનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત થઇ હતી. મોદીએ ઉપસ્થિત મેદનીનું અભિવાદન ઝીલ્યું હતુ.
પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે 6 વાગ્યે અમદાવાદના ખોડલધામ મેદાન ખાતે તેઓ 5,400 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
આવતીકાલે સવારે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક વાહનોની નિકાસને લીલી ઝંડી આપશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે.

કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
દરમિયાન, વડાપ્રધાન મોદીના નિકોલ ખાતેના આગમન પહેલાં ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે નરોડા અને નિકોલ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએથી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે અટકાયતો કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન અને ઉપપ્રમુખ અમિતભાઈ નાયક સહિતના કાર્યકરોને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
આ ઉપરાંત એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, પ્રદેશ પ્રવક્તા હેમાંગભાઈ રાવલ અને પાર્થિવરાજ કઠવડિયાને નજરકેદ કરવામાં આવ્યા છે. બાપુનગર પોલીસે નાગજીભાઈ દેસાઈ, મુકેશભાઈ પંચાલ અને અનિલભાઈ થલોટિયાની અટકાયત કરી છે. નિકોલ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવા જઈ રહેલા કોંગ્રેસના કાર્યકરોની શાહીબાગ પોલીસે અટકાયત કરી છે.